મણિપુર બોગસ એન્કાઉન્ટર મામલામાં સીબીઆઈની તપાસ પ્રગતિથી સુપ્રીમ કોર્ટ નારાજ છે. કોર્ટે સીબીઆઈ ડાયરેક્ટરને સોમવારે હાજર થવાનું ફરમાન કર્યું છે.
જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સીબીઆઈને મણિપુરમાં સેના, આસામ રાઈફલ્સ અને કથિત હત્યાઓ અને બોગસ મુઠભેડના ચાર મામલામાં 27 જુલાઈ સુધીમાં અંતિમ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે સીબીઆઈની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ NHRCના બે અધિકારીઓને પણ શામેલ કરવામાં આવે.
શુક્રવારે કેસની સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે મામલાની તાપસ ક્યાં સુધીમાં પુરી થશે એના પર અમને ટાઈમલાઈન જોઈએ છે. ન્યાયમૂર્તિ મદન બી લોકુરની અધ્યક્ષતા વાળી બેન્ચે સીબીઆઈ ડાયરેક્ટરને હાજર થવા ફરમાન કર્યું છે.

આ પહેલા મામલાની સુનાવણી કરતા કોર્ટે કહ્યું હતું કે આ બે અધિકારીઓ કથિત બોગસ મુઠભેડના આ ચાર મામલાઓને છોડીને બાકી તમામ મામલાઓની તપાસમાં શામેલ રહેશે. એમને તમામ દસ્તાવેજ અને જરૂરી સુવિધાઓ આપવામાં આવે. ચાર્જશીટ તૈયાર કરવા અને ટ્રાયલ કોર્ટમાં દાખલ કરવામાં પણ આ અધિકારીઓ યોગદાન આપશે.
મહત્વનું છે કે કોર્ટે મણિપુરમાં ન્યાયિક હત્યાઓના 1,528 મામલાઓની તપાસ માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. કોર્ટે ગયા વર્ષે 14 જુલાઈએ એક એસઆઇટીની રચના કરી હતી. જણાવી દઈએ કે વર્ષ 2000 થી 2012 વચ્ચે સુરક્ષાદળો અને પોલીસ પર કથિત રીતે 1,528 બોગસ મુઠભેડ અને અતિરિક્ત ન્યાયિક હત્યાઓનો આરોપ છે.
આ પહેલી વાર નથી કે કોર્ટે આ મામલે સીબીઆઈને ફટકાર લગાવી હોય. આ પહેલા પણ કોર્ટે સીબીઆઈના કામકાજના પ્રકાર પર ઊંડી નારાજગી દર્શાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એનાથી તો એવુજ લાગે છે કે આ પીડિતોની વિરુદ્ધમાં છે. કોર્ટે ફટકાર લગાવતા કહ્યું હતું કે ઇચ્છીએ છીએ કે તપાસ ઝડપથી થાય અને ફટાફટ કાર્યવાહી કરવામાં આવે.
