સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ યુવકોના માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરી રહ્યો છે. જાણકારોનું કહેવુ છે કે, સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી અનેક યુવકોમાં અસામાન્ય વ્યવહાર અને જીવન શૈલી સંબંધિત વિકૃત પરિવર્તનો જાવા મળ્યા છે. જેના કારણે તેમના જીવન અને વ્યક્તિગત સંબંધો પર ખૂબ જ ખરાબ અસર પડી રહી છે.

દિલ્હીની એક ટોચની સંસ્થાના મનોવૈજ્ઞાનિકનું કહેવુ છે કે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, મોટાભાગના આવા કેસોમાં લોકોને ખબર હોતી નથી કે તેઓ આ વિકૃતિનો ભોગ બન્યા છે. ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં વરિષ્ઠ મનોનવૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા સંદીપ વ્હોરાએ જણાવ્યુ હતું કે સોશિયલ મીડિયા અને ફેસબુક તેમજ ટ્વિટર જેવા પ્લેટફોર્મ આજના સમયમાં બેધારી તલવાર સમાન સાબિત થઈ રહ્યા છે.
એક તો મોટાભાગના યુવાનો આ પ્લેટફોર્મના કારણે શોષણનો ભોગ બની રહ્યા છે. ઉપરાંત યુવકોને આ સોશિયલ મીડિયાનું વળગણ થઈ જાય છે. આ બન્ને પ્રકારના કેસમાં મનોવૈજ્ઞાનિક સમસ્યા ઉત્પન્ન થાય છે. વ્હોરાએ જણાવ્યુ હતું કે, અમારી હોસ્પિટલમાં દર સપ્તાહે આવા 100થી વધુ કેસ આવે છે, જેઓ ઈન્ટરનેટની આદતના કારણે સર્જાયેલ માનસિક વિકૃતિનો ભોગ બનેલા હોય છે.

સરગંગારામ હોસ્પિટલના બાળ મનોવિજ્ઞાન નિષ્ણાંત રોમા કુમાર કહે છે કે, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરનાર યુવકો પોતાના જીવનનું નિયંત્રણ અન્ય લોકોના હાથમાં આપી દે છે. એમ્સ હોસ્પિટલના મનોવૈજ્ઞાનિક વિભાગના અધ્યાપક રાજેશ સાગરના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું શિક્ષણ બાળકોને શાળાના સ્તરથી આપવુ જાઈએ.
