એક ભારે રાજનીતિક ઘટનાક્રમ વચ્ચે બુધવારે ચોમાસુ સત્રની શરૂઆત થતા જ તેલુગુ દેશમ પાર્ટી દ્વારા મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જેનો લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને સ્વીકાર કર્યો હતો.
ચોમાસુ સત્રના પહેલા દિવસે સંસદમાં મોદી સરકાર વિરુદ્ધ કુલ આઠ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યા હતા. જેમાંથી ટીડીપીના સાંસદ કેસિનાની શ્રીનિવાસરાવ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
ટીડીપીના આ અવિશ્વાસ પ્રસ્તાવ પર 50થી વધારે સાંસદોની સહીઓ છે. તેમજ આ પ્રસ્તાવનું કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડાબેરીઓ અને તૃણમૂલ કોંગ્રેસે સમર્થન કર્યું છે.

હમણાં જ મળતી ખબરો મુજબ સ્ટેટ બેંક બિલ 2017 સર્વસંમતિથી રાજ્યસભામાં પાસ થઇ ગયું છે.
જણાવી દઈએ કે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે 21 જુલાઈ શુક્રવારનો દિવસ પસંદ કર્યો છે. આ દિવસે ફક્ત અવિશ્વાસ પ્રસ્તાવ પર જ ચર્ચા કરવામાં આવશે. બીજા કોઈ બિલ પર ચર્ચા કરવામાં નહિ આવે.
ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે પાર્ટીએ એમના બધા 34 સાંસદોને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં શામેલ થવા માટે લોકસભામાં મોકલવાનો ફેંસલો કર્યો છે.
મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવનાર પક્ષ ટીડીપીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાને ધ્યાનમાં રાખતા પક્ષના સાંસદોને શુક્રવાર માટે ત્રણ લાઇનનું વ્હીપ જાહેર કર્યું છે.
