પટના,
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ લાંબા સમય બાદ હવે એક્શનમાં જોવા મળી રહ્યા છે. પાટનગર પટના સ્થિત પાર્ટીના કાર્યાલય પહોચતા જ તેઓએ આગામી ૨૦૧૯ની લોકસભા ચુંટણીને લઇ એક એલાન કયું છે.
તેજપ્રતાપ યાદવે જણાવ્યું હતું કે, “વૃંદાવનથી તેઓ વરદાન લઈને આવ્યા છે અને બિહારના કુરુક્ષેત્રમાં તે વિરોધીઓ પર સુદર્શન ચક્ર ચલાવશે”.
આ સાથે તેઓએ આગામી લોકસભા ચુંટણીની તૈયારીઓમાં પણ કોઈ કસર ન રાખવા અંગેની ગર્જના કરી છે. તેઓએ કહ્યું હતું કે, “તેઓનો મુકાબલો ભારતીય જનતા પાર્ટી અને RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) સાથે છે અને મિશન ૨૦૧૯ માટે તેઓએ કમર કસી લીધી છે”.
આરજેડીના કાર્યાલય ખાતે તેઓએ ઉમેર્યું હતું કે, “પાર્ટીની અંદર અને બહાર બંને બાજુ ઉપસ્થિત વિરોધીઓ ખતરનાક છે. દેશ હિતમાં ભાજપ અને તેઓના સહયોગી દળોનો મુકાબલો કરવાનો છે, પાર્ટીની અંદર ઉપસ્થિત વિરોધીઓને પણ પડકાર આપવો છે”.
