Not Set/ હવે ૧૨ કલાકમાં પહોંચાશે રાજધાની દિલ્લીથી મુંબઈ, આગામી ત્રણ વર્ષમાં બનશે નવો એક્સ્પ્રેસ વે

ગુરુગ્રામ, ભારતની રાજધાની દિલ્લી અને દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈ વચ્ચે રોડ માર્ગે સફર કરનારા લોકો માટે આગામી સમય વધુ આરામદાયક અને સમય બચાવનારો બની શકે છે. રાજધાની દિલ્લીથી કોઈ પણ રોડ માર્ગે મુંબઈ જવા માટે હાલ ૨૪ કલાક જેટલો સમય લાગે છે પરંતુ હવે આગામી સમયમાં આ સફર માત્ર ૧૨ કલાકમાં પૂર્ણ કરી શકો […]

India

ગુરુગ્રામ,

ભારતની રાજધાની દિલ્લી અને દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈ વચ્ચે રોડ માર્ગે સફર કરનારા લોકો માટે આગામી સમય વધુ આરામદાયક અને સમય બચાવનારો બની શકે છે.

રાજધાની દિલ્લીથી કોઈ પણ રોડ માર્ગે મુંબઈ જવા માટે હાલ ૨૪ કલાક જેટલો સમય લાગે છે પરંતુ હવે આગામી સમયમાં આ સફર માત્ર ૧૨ કલાકમાં પૂર્ણ કરી શકો છો. કેન્દ્ર સરકાર દ્વારા સાઈબર સીટી ગુરુગ્રામથી મુંબઈ વચ્ચે નવો એક્સ્પ્રેસ વે બનાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું, “૬૦૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચથી આગામી ત્રણ વર્ષમાં નવો એક્સ્પ્રેસ વે બનાવવામાં આવશે. આ એક્સ્પ્રેસ-વે દેશના સૌથી પછાત જિલ્લાઓ કહેવાતા હરિયાણાના મેવાત અને ગુજરાતના દાહોદ વચ્ચેથી પસાર થશે.

આ નવો એક્સ્પ્રેસ હાઇવે બન્યા બાદ દિલ્લીથી મુંબઈ વચ્ચેનું ૧૪૫૦ કિમીનું અંતર ઘટીને ૧૨૫૦ કિમી થઇ જશે અને આ યાત્રા પણ ૨૪ કલાકથી ઘટીને માત્ર ૧૨ કલાકમાં પૂર્ણ થશે.

નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું, એક્સ્પ્રેસ હાઇવેનું કામમ ચાલુ વર્ષના ડિસેમ્બર મહિનામાં શરુ થઇ જશે અને આગામી ત્રણ વર્ષ દરમિયાન તેનું કામ સમાપ્ત કરવામાં આવશે. આ એક્સ્પ્રેસ વે ગુરુગ્રામના રાજીવ ચોકથી શરુ થશે.

કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રીએ કહ્યું, ” એક્સ્પ્રેસ હાઇવે બનાવવા માટે વડોદરાથી સુરત વચ્ચેના કામ માટે ટેન્ડર રજુ કરવામાં આવી ચુક્યા છે, જયારે સુરતથી મુંબઈ વચ્ચે ટુંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ એક્સ્પ્રેસ હાઇવે રાજસ્થાન, હરિયાણા અને મધ્યપ્રદેશના પછાત જિલ્લાઓ માટે વિકાસનો એક નવો માર્ગ બનશે. આ કારણે પછાત વિસ્તારો પણ ગુરુગ્રામની જેમ ચમકશે. આ વિસ્તારમાં ઔદ્યોગિક અને નાણાકીય વિકાસથી નવા રોજગારનું સર્જન થશે.