નોઈડા,
શનિવારે નોઇડાના સેકેટર-૧૨૬માં રહેતી રાધાએ માત્ર ૨૭ મિનિટમાં જ એક સાથે ત્રણ બાળકી અને એક બાળકને જન્મ આપ્યો છે. જોકે માત્ર ૨૭ મિનિટમાં જ નોર્મલ ડિલિવરી થતાં ડોક્ટરોને પણ આશ્ચર્ય થયું હતું. મહિલાના પતિએ જણાવ્યું કે તેમની પત્ની એકસાથે ચાર બાળકને જન્મ આપશે એ વાત તેમણે સપનામાં પણ નહતી વિચારી.
આ અંગે સીએમએસ અજય શર્માએ જણાવ્યુ હતું કે ડિલિવરી બાદ માતા અને બાળકો પાંચેય જણા તંદુરસ્ત છે. નોઇડાની રાધાએ સવારે ૯:૪૬ કલાકે પહેલી બાળકી, સવારે ૧૦:૦૫ કલાકે બીજી બાળકી, જ્યારે ૧૦:૧૦ કલાકે ત્રીજી બાળકી અને સવારે ૧૦:૧૨ કલાકે ચોથા સંતાન તરીકે બાળકને જન્મ આપ્યો હતો.
રાધાએ પહેલા ૧.૮ કિલોની બાળકી, બાદમાં ૧.૭૫ કિલોની બાળકી, તેમજ ત્રીજી પણ ૧.૭૫ કિલોની બાળકી અને છેલ્લે ૧.૪ કિલોના બાળકને જન્મ આપ્યો હતો. જેમાં એક બાળકીનો જન્મ ઊલટો થયો હતો. જયારે અન્ય એક બાળકી શારીરીક રીતે કમજોર હોવાથી આ બંનેને ચાઈલ્ડ પીજીઆઈમાં દાખલ કરવામાં આવી છે.
જોકે આ ઘટનામાં નવાઈની વાત એ છે કે આ મહિલાને એકસાથે ચાર બાળક જન્મશે તે બાબતથી ડોક્ટર પણ અજાણ હતા આ કારણોસર તબીબોએ મહિલાને નોર્મલ ડિલિવરી કરાવી હતી. જેમાં એકસાથે ચાર બાળકનો જન્મ થયો હતો.
મહત્વનું છે કે હાલ માતા અને ચારેય બાળકોની તબિયત સારી છે અને થોડા દિવસોમાં જ તેમને રજા આપી દેવામા આવશે.
