પ્રલય/ પૃથ્વી પર પ્રલય નજીક, તાપમાનમાં થઈ રહ્યો છે સતત વધારો, જાણો વિસ્તૃતમાં

પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તેની અસર સદીઓથી અખંડ રહેલા એન્ટાર્કટિકાના બરફ પર પણ પડી છે. છેલ્લાં 5500 વર્ષથી ન પીગળેલી એન્ટાર્કટિકાની હિમશીલાઓ ઝડપભેર…

Mantavya Exclusive
Cataclysm on Earth

Cataclysm on Earth: પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તેની અસર સદીઓથી અખંડ રહેલા એન્ટાર્કટિકાના બરફ પર પણ પડી છે. છેલ્લાં 5500 વર્ષથી ન પીગળેલી એન્ટાર્કટિકાની હિમશીલાઓ ઝડપભેર પીગળી રહી છે. તેના કારણે આ સદીના અંત સુધીમાં સમુદ્રની જળસપાટી ધાર્યા કરતાં વધારે ઊંચી આવી શકે છે. આવો જાણીએ આ વિસ્તૃત અહેવાલ…

એન્ટાર્કટિકાના ડૂમ્સડે ગ્લેશિયર્સ 5,500 વર્ષમાં સૌથી ઝડપી દરે પીગળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય થ્વાઈટ્સ ગ્લેશિયરના ડેટાનો અભ્યાસ કરીને બ્રિટિશ સંશોધકોએ તારણ રજૂ કર્યું હતું કે એન્ટાર્કટિકાનો બરફ સાડા પાંચ હજાર વર્ષોમાં જેટલો પીગળ્યો ન હતો એટલો હવે પીગળી રહ્યો છે. આ સંશોધનના સહલેખક ઈમ્પિયરલ કોલેજના વિજ્ઞાની ડૉ. ડાયલન રૃડે કહ્યું હતું કે છેલ્લી ઘણી સદીથી એન્ટાર્કટિકાના ગ્લેશિયર સ્થિર રહ્યા હતા. આ હિમશીલાઓ ખાસ પીગળતી ન હતી, જેમ હતી એમ જ રહી હતી. પરંતુ હવે છેલ્લાં થોડાંક દશકાથી પૃથ્વીનું તાપમાન વધ્યું હોવાથી હિમશીલાઓ પીગળી રહી છે.

આ વિજ્ઞાનીના કહેવા પ્રમાણે એન્ટાર્કટિકામાં પશ્વિમી આઈસ શીટમાં થ્વાઈટ્સ અને પાઈન આઈર્લેન્ડ ગ્લેશિયર છે. આ બંને ખૂબ જ વિશાળ છે. એટલે તેને ડૂમ્સ ડે ગ્લેશિયર નામ આપવામાં આવ્યું છે. જો એ પીગળે તો પૃથ્વીમાં નક્કી મહાપ્રલય આવી શકે છે. પશ્વિમ એન્ટાર્કટિક આઈસ શીટ પૃથ્વીની ગરમીના કારણે તૂટી રહી છે. જો એ પીગળતી રહેશે તો ભવિષ્ય માટે ખતરો સર્જાશે. તેનાથી સમુદ્રની સપાટી ધારણાં કરતા ત્રણ-ચાર ટકા વધી શકે છે. જે ગતિથી ગ્લેશિયલ પીગળે છે એ જોતાં જે 5500 વર્ષોમાં ન થયું એ એક-બે સદીમાં થઈ જશે.

સંશોધનમાં નોંધ કરવામાં આવી હતી કે પૃથ્વીનું તાપમાન અંકુશમાં નહીં આવે તો ગ્લેશિયર પીગળવાની ઝડપ હજુય વધશે. પૃથ્વીનું તાપમાન ગ્લોબલ વોર્મિંગના કારણે સતત વધી રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગ પાછળ કાર્બન ઉત્સર્જન ઘણાં પૈકી મુખ્ય જવાબદાર પરિબળ છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવાની સલાહ સંશોધકોની ટીમે આપી હતી.

ગ્લોબલ વોર્મિંગના કારણે એન્ટાર્કટિકાનો ત્રીજા ભાગનો બરફ પીગળી જશે એવી દહેશત જિયોફિજિકલ રીસર્ચ લેટર જર્નલમાં વ્યક્ત કરવામાં આવી હતી. અહેવાલ પ્રમાણે દુનિયાનું તાપમાન જે ઝડપે વધે છે તે જોતાં એન્ટાર્કટિકાનો 34 ટકા બરફ પીગળીને સમુદ્રની જળસપાટી ઊંચી લાવવામાં કારણભૂત બનશે.

દુનિયામાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ તે પહેલાં જેટલું તાપમાન હતું, તેમાં સરેરાશ ચાર ડિગ્રીનો વધારો થશે તે સાથે જ એન્ટાર્કટિકાની બરફની ચાદર પીગળવા માંડશે. એન્ટાર્કટિકાની બરફની ચાદરમાંથી ત્રીજા ભાગનો હિસ્સો પીગળીને સમુદ્રમાં વહી જશે. સંશોધકોના કહેવા પ્રમાણે એન્ટાર્કટિકાનો 34 ટકા જેટલો હિસ્સો પીગળી જાય એવી દહેશત સર્જાઈ છે.

વિજ્ઞાનિકોએ કહ્યું હતું કે એન્ટાર્કટિકામાં બચેલી સૌથી મોટી બરફની ચાદર લાર્સન સી એવા હિસ્સામાંથી એક છે, જેના પર ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસર પડી રહી છે. જો આ વિસ્તાર ગ્લોબલ વોર્મિંગના કારણે પીગળવા લાગશે તો તેનાથી એન્ટાર્કટિકાનો ઘણો મોટો હિસ્સો પીગળીને પાણી થઈ જશે અને તેના કારણે સમુદ્રની જળસપાટી પણ ઊંચી આવી જશે. સંશોધકોએ કહ્યું હતું કે જો ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંના પૃથ્વીના તાપમાનમાં સરેરાશ દોઢ કે બે ટકાનો વધારો થશે તો એન્ટાર્કટિકાનો બરફ 15થી 18 ટકા સુધી પીગળશે. અહેવાલમાં કહેવાયું હતું કે બરફ પીગળીને મોટા ગ્લેશિયર પર આવે છે તેના કારણે ગ્લેશિયરમાં તિરાડો પડે છે. એ તિરાડોમાં મોટી થતી જાય છે અને આખરે એક દિવસે એ પીગળી જાય છે. આ સ્થિતિ નિવારવા માટે વૈશ્વિક તાપમાન ઘટે તે દિશામાં ગંભીરતાથી પગલાં લેવા જોઈએ એવી સલાહ પણ અહેવાલમાં અપાઈ હતી.

માનવીય પ્રવૃત્તિઓ હવે તમારી આસપાસ જ નહીં, પણ ધરતીના જળવાયુનો સ્વભાવ પણ નક્કી કરે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે પ્રકૃતિની સાથે મનુષ્યોની છેડતી કારણે ધરતીનાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકન અંતરિક્ષ એજન્સી ‘નાસા’ અને બ્રિટનના હવામાન વિભાગે પુષ્ટી કરી છે કે ગત વર્ષ, એટલે કે વર્ષ 2022 અલ નીનો વગર સૌથી ગરમ વર્ષ રહ્યું છે. આ બન્ને સંગઠનોએ આંકડા જાહેર કર્યા છે. તેના આધારે 2022 અત્યાર સુધીનું બીજું અથવા તો ત્રીજું ગરમ વર્ષ હતું. લગભગ 167 વર્ષના આંકડાની મદદથી તૈયાર કરવામાં આવેલો આ રિપોર્ટ ખરેખર ચિંતાનો વિષય છે.

બ્રિટનના હવામાન વિભાગના કાર્યકારી ડાયરેક્ટર પ્રોફેસર પીટર સ્ટૉટ જણાવે છે, “આ આંકડામાં ખાસ વાત એ છે કે વર્ષ 2022માં અલ નીનોની અસર ન હતી. તેમ છતાં 2022 સૌથી ગરમ વર્ષોમાંથી એક સાબિત થયું છે. તેનો મતલબ સ્પષ્ટ છે કે પ્રાકૃતિક જળવાયુ પ્રક્રિયાઓ પર હવે માનવીય પ્રવૃત્તિઓ ભારે પડી રહી છે.

ચોંકાવનારી વાત તો એ છે કે 2022, વર્ષ 1998 કરતા પણ વધારે ગરમ હતું. 1998માં ધરતીની ગરમી માટે અલ નીનોને જવાબદાર ગણાવવામાં આવ્યું હતું. હાલ જ નાસાએ પોતાના એક અધ્યયનમાં દાવો કર્યો હતો કે અલ નીનોના કારણે એન્ટાર્કટિકામાં વાર્ષિક દસ ઇંચ બરફ પીગળે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે અલ નીનો સમુદ્રના ગરમ પાણીનો પ્રવાહ એન્ટાર્કટિકા તરફ વહેતો કરે છે જેના કારણે બરફ પીગળી રહ્યો છે. અલ નીનો એક મોસમી પરિસ્થિતિ છે કે જે પ્રશાંત મહાસાગરના પૂર્વ ભાગ એટલે કે દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં મહાસાગરની સપાટીએ પાણીનું તાપમાન વધવાને કારણે ઉત્પન્ન થાય છે.

તેના કારણે હવામાનનું સામાન્ય ચક્ર બગડી જાય છે અને દુષ્કાળ તેમજ પૂર જેવી પ્રાકૃતિક આપત્તિઓ આવે છે. ચિંતા એ માટે વધી જાય છે કે વર્ષ 1850 બાદ સૌથી ગરમ 18 વર્ષોમાંથી 17 વર્ષ આ જ સદીના છે.  વિશ્વ હવામાન સંગઠનના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમર બદૌર જણાવે છે, “સૌથી ગરમ વર્ષોનું રેંકિંગ કોઈ મોટા સમાચાર નથી. મોટા સમાચાર અને મોટો સવાલ છે તેનો ટ્રેન્ડ. એટલે કે તમારે તેનું વલણ જોવું પડશે અને જોવું પડશે કે સમુદ્રના બરફ જેવા અન્ય જળવાયુ પર શું અસર પડી રહી છે.

આબોહવા પરિવર્તનના એક મહાન પરિણામ જે આખું ગ્રહ સહન કરે છે તે છે એન્ટાર્કટિક ક્ષેત્રનું ગલન. વર્ષો પછી ઉપરોક્ત એન્ટાર્કટિકા ગ્લેશિયર્સ અદૃશ્ય થઈ રહી છે તેમ લાચાર દેખાય છે અને ઉકેલો સમાપ્ત થયા વિના તે જ પીગળવું વધતું જાય છે. ગરમીના મોસમમાં એન્ટાર્કટિકમાં બરફ પીગળવાની પ્રક્રિયા આજથી 600 વર્ષ પહેલાની તુલનામાં 10 ગણી વધારે ઝડપી બની છે. એક નવી અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે 20મી સદીના મધ્ય બાદ બરફ પીગળવાની ઝડપ અત્યારે સૌથી વધારે છે. નેચર જીયોસાયન્સ પત્રિકામાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર એન્ટાર્કટિકમાં ગરમીઓમાં બરફ 10 ગણી વધારે ઝડપથી પીગળી રહ્યો છે. તે 20મી સદીની મધ્ય બાદ વધેલી ઝડપમાં સૌથી વધારે છે. ગરમીઓમાં બરફ પીગળવાથી એન્ટાર્કટિકમાં બરફની પટ્ટીઓ અને ગ્લેશિયરોની સ્થિરતા પ્રભાવિત થાય છે.

વર્ષ 2008માં બ્રિટન અને ફ્રાન્સના એક સંયુક્ત વૈજ્ઞાનિક દળે આ વિસ્તારમાં પહેલાના તાપમાનોનું અનુમાન મેળવવા માટે એન્ટાર્કટિક ટાપુમાં ઉત્તરી કિનારાની પાસે જેમ્સ રૉસ ટાપુથી 364 મીટર લાંબી બરફની પરતમાં કાણું પાડ્યું હતું. વિજ્ઞાનીઓએ શોધ કરી છે કે બરફની પરતથી આ વિસ્તારમાં બરફ પીગળવાથી લઇને નવા અને અત્યાર સુધી નહીં બહાર આવેલા તથ્યોની ભાળ મળી શકશે. પીગળતા બરફના અભ્યાસથી વૈજ્ઞાનિકો પાછલા 1000 વર્ષમાં તાપમાનમાં થયેલા પરિવર્તનથી બરફ પીગળવા સાથેના સંબંધને વધારે સારી રીતે સમજવામાં સફળ થયા છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી અને બ્રિટિશ એન્ટાર્કટિક સર્વેક્ષણની ટીમના મુખ્ય શોધકર્તા ડૉ નેરીલી અબ્રમે જણાવ્યું કે “અમને ખબર પડી છે કે લગભગ 600 વર્ષ પહેલા એન્ટાર્કટિક ખંડ સૌથી ઠંડો હતો. ત્યારે ગરમીઓમાં બરફ સૌથી ઓછો પીગળતો હતો. અબ્રમે જણાવ્યું કે “એન્ટાર્કટિક ખંડ હવે એટલો ગરમ થઇ ચૂક્યો છે કે તાપમાનમાં થોડા પણ વધારાને કારણે ગરમીઓમાં બરફ ઓગળવાની ઝડપ વધી શકે છે.”

એન્ટાકર્ટિકાની એવી તસવીરો સામે આવી છે, જે વિશ્વ પર આફત આવવાના સંકેતો આપી રહી છે. એન્ટાકર્ટિકામાં અત્યંત વિશાળ આઇસ બર્ગમાં બે મોટી તિરાડો જોવા મળી છે. વૈજ્ઞાનિકોએ જેને ચિંતાનો વિષય ગણાવ્યો છે. આ તિરાડની તસવીરો યુરોપિયન સ્પેસ એજન્સીના કોપરનિકસ સેન્ટિનેલ સેટેલાઇટ દ્વારા લેવામાં આવી છે. આ તસવીરોમાં સ્પષ્ટ રીતે દેખાય રહ્યું છે કે, પશ્ચિમ એન્ટાકર્ટિકાની બરફની ચાદરો પર બે મોટી તિરાડો છે, જે 20 કિલોમીટર સુધી ફેલાયેલી છે. વૈજ્ઞાનિકોના મતે આ તિરાડોના પરિણામે એક નવો હિમખંડ બની શકે છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, જે રીતે પાઈન આઇલેન્ડ ગ્લેશિયરમાં બરફ 10 મીટરથી વધુની ઝડપે આગળ વધી રહી છે તેવી ઘટનાની જેમ જ 1992, 1995, 2001, 2007, 2013, 2015, 2017 અને 2018માં મોટી આફતો આવી છે.

યુરોપિયન સ્પેસ એજન્સીના અહેવાલ મુજબ, કોઈ કારણ વગર આવી તિરાડો પડવા અને નવી હિમશીલા બનવાના કારણે ઝડપથી તે હિમશીલાનો બરફનો એક મોટો હિસ્સો પીગળી રહ્યો છે, જે શાંત હોવાની એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. મોટાભાગે આવી ઘટનાઓમાં વૈશ્વિક દરિયાઇ સપાટી ઝડપથી વધે છે. વૈજ્ઞાનિકોના મતે આ અસામાન્ય વૃદ્ધિ પાછળનું કારણ ગ્લોબલ વોર્મિંગ હોઈ શકે છે.

સમગ્ર વિશ્વમાં બરફ સતત ઓગળી રહ્યો છે, કેટલાક કિસ્સાઓમાં પ્રદૂષણ કરતાં પદાર્થો લાંબા સમયથી બરફમાં હોવાની પણ સંભાવના છે, જોકે બરફ પીગળવાની બાબતમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. ગયા મહિને ગ્રીનલેન્ડમાં 40 ટકાથી વધુ બરફ ઓગળવાની ઘટના માત્ર થોડા દિવસોમાં જ જોવા મળી હતી. જેમાં અંદાજે 2 ગિગાટનથી વધુ બરફ ઓગળી ગયો હોવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, ગ્રીનલેન્ડમાં એક જ દિવસમાં 2 અબજ ટન બરફ પીગળી ગયો છે.

સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન પર આંતરસરકારી સમિતિ – આઈપીસીસી દ્વારા તૈયાર કરવામાં આવેલા લેન્ડમાર્ક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વધતા વૈશ્વિક તાપમાનના કારણે ગ્લેશિયર તેજીથી પીગળી રહ્યા છે. આનાથી વર્ષ 2100 સુધી સમુદ્ર તળ એક મીટર સુધી વધી શકે છે અને દુનિયા સામે પૂરનું જોખમ મંડરાઈ શકે છે. સમુદ્રના સ્તર અને ચક્રવાત જેવી ઘટનાઓમાં વૃદ્ધીના કારણે અંડમાન અને નિકોબાર જેવા દ્વિપ ડુબી જશે. થોડા વર્ષો બાદ અંડમાન અને નિકોબાર, માલદીવ જેવા દ્વીપોને ખાલી કરવા પડશે. ભારતમાં ચક્રવાત જેવી જળવાયુ ઘટનાઓની ગંભીરતા વધી જશે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વૈશ્વિક જળવાયુ પરિવર્તનનો મુદ્દો મહત્વનો રહ્યો છે. લેન્ડમાર્ક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હિમાલય અને એન્ટાર્કટિકામાં બરફ તેજીથી પીગળી રહ્યો છે. આનાથી પાણીમાં રહેનારી માછલીઓ અને જીવો મરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે જો આ જ તેજીથી ગ્લેશિયર પિગળતા રહ્યા તો ન્યૂયોર્ક અને શાંઘાઈ જેવા શહેરોમાં પણ પૂરનું જોખમ વધી શકે છે. ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનના કારણે વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે અને ગ્લેશિયર તેજીથી પિગળી રહ્યા છે. IPCCના વાઈસ ચેરમેન બૈરેટના જણાવ્યા અનુસાર 36 જેટલા દેશોના 100 થી વધારે વૈજ્ઞાનિકોએ મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં 2030 સુધી ગ્લોબલ વોર્મિંગને 1.5 ટકાથી નીચે રાખવાની ભલામણ કરવામાં આવી છે. આ પહેલીવાર છે કે જ્યારે IPCCએ આટલા મોટા પાયે પૃથ્વીમાં સૌથી દૂર ધ્રુવીય ક્ષેત્રોના પહાડો અને ઉંડા સાગરો મામલે ગહન શોધ કરીને મોટો રિપોર્ટ સોંપ્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે જળવાયુ પરિવર્તનના કારણે પહેલા પણ મનુષ્યને ખૂબ નુકસાન ભોગવવું પડ્યું છે. ભવિષ્યમાં અન્ય પણ ઘણા નુકસાન ઉઠાવવા પડી શકે છે. જો મનુષ્ય જીવાશ્મ ઈંધણ પર વૈશ્વિક અર્થવ્યવસ્થાની નિર્ભરતાને સમાપ્ત કરવા માટે તેજીથી પગલા ભરે તો સકારાત્મક પરિણામો સામે આવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગ્રીનલેન્ડમાં બરફના થર સમુદ્ર સ્તરને 20 મીટર સુધી વધારી શકે છે. આ થર 2006 થી 2015 વચ્ચે 275 ગીગાટન પીગળી ચૂક્યા છે. વર્ષ 2007 થી 2016 વચ્ચે એન્ટાર્કટિકામાં બરફ તેજીથી પિગળ્યો છે. વિશેષજ્ઞોએ કહ્યું છે કે જે ગતિથી એન્ટાર્કટિકામાં બરફની પરત પીગળી રહી છે, તેનાથી વર્ષ 2100 માં સમુદ્રની સપાટી ત્રણ ફૂટ સુધી વધી જશે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે જો આ પ્રકારે જ બરફ પિગળતો રહ્યો તો 2050 સુધીમાં દુનિયાભરમાં સમુદ્ર તટીય ક્ષેત્રોમાં રહેનારા 68 કરોડ લોકોને પૂરનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આના કારણે તટીય દેશોના હવામાનમાં બદલાવ આવશે અને તેમને વરસાદ જેવી વિપત્તિઓ સામે ઝઝુમવું પડી શકે છે.

ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વી પરનું હવામાન વધી ગયું છે. આ ગ્લોબલ વોર્મિંગને કારણે એન્ટાર્કટિકાનો બરફ પીગળી રહ્યો છે. જેના કારણે સમુદ્રનું જળ સ્તર વધી શકે છે. આથી દરિયા કાંઠાના વિસ્તારો જળમગ્ન થઈ શકે છે. આનાથી પૃથ્વી પરના લગભગ 66 કરોડ લોકોને અસર થઈ શકે છે. પૃથ્વી પર પ્રલય નજીક છે.

આ પણ વાંચો: Cricket/સુનીલ ગાવસ્કરની ભવિષ્યવાણીથી સનસનાટી, આ ખેલાડી તોડશે સચિન તેંડુલકરનો રેકોર્ડ