Break Sachin Record: તિરુવનંતપુરમ ખાતે રમાયેલી ત્રીજી અને છેલ્લી ODI હંમેશા માટે ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ માત્ર ODI ઈતિહાસની સૌથી મોટી જીત જ નથી નોંધાવી પરંતુ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી માટે પણ આ મેચ ઘણી ખાસ રહી છે. આ મેચમાં તેણે 110 બોલમાં 166 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જે તેની ODI કારકિર્દીનો બીજો સર્વોચ્ચ સ્કોર છે.
વનડે ક્રિકેટમાં કોહલીની આ 46મી સદી હતી અને તે હવે સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડથી માત્ર 3 સદી દૂર છે. કોહલી જે પ્રકારના ફોર્મમાં છે, તે ટૂંક સમયમાં સચિનના રેકોર્ડને પાછળ છોડી દેશે, પરંતુ આંતરરાષ્ટ્રીય સદીની વાત કરીએ તો કોહલીની આ 74મી સદી છે અને તે હવે સચિનના 100 સદીના રેકોર્ડથી 26 સદી દૂર છે. મહાન સુનીલ ગાવસ્કરે વિરાટના આ ફોર્મ અને સચિનના રેકોર્ડને પાછળ છોડી દેવાની શક્યતાઓને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે વિરાટ સચિનના 100 સદીના રેકોર્ડને સરળતાથી પાછળ છોડી દેશે, પરંતુ સાથે જ તેણે એ પણ કહ્યું કે આ માટે તેણે 40 વર્ષ સુધી ક્રિકેટ રમવું પડશે.
જણાવી દઈએ કે હાલમાં વિરાટ કોહલી 34 વર્ષનો છે અને સુનીલ ગાવસ્કરના મતે તેણે વધુ 6 વર્ષ ક્રિકેટ રમવું પડશે, જે તાર્કિક નથી લાગતું. હાલમાં કોહલીને T20 ક્રિકેટથી દૂર રાખવાની વાતો સામે આવી રહી છે. વિરાટ કોહલીનું નામ શ્રીલંકા સામેની ટી20 સીરીઝ અને હવે ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝમાં પણ ટીમમાં નથી. જો એવું માની લેવામાં આવે કે BCCI અને ટીમ મેનેજમેન્ટે ટી-20 ક્રિકેટમાં યુવા ખેલાડીઓને તક આપવાનું મન બનાવી લીધું છે, તો વિરાટ પાસે માત્ર ટેસ્ટ અને ODI ક્રિકેટનું જ ફોર્મેટ બચશે અને સતત આ પ્રકારનું પ્રદર્શન દેખાડવું સરળ નહીં હોય.
આ પણ વાંચો: અમદાવાદ/વ્યાજખોરોએ હોસ્પીટલમાં જઈને યુવકને કિડની લિવર વેચીને પણ પૈસા કઢવિશુંની આપી ધમકી