New Delhi News/ NEET કેસમાં NTA નિષ્ણાત શિક્ષિકા ઝડપાઈ

Neet Caseમાં અગાઉ મહારાષ્ટ્રના લાતુરના રહેવાસી અને રસાયણશાસ્ત્રના નિષ્ણાત પીવી કુલકર્ણીની પણ ધરપકડ કરવામાં આવી હતી

Top Stories India Breaking News
દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET-UG 2026 પેપર લીક કેસ (Neet Case)માં CBIએ વધુ એક મોટી કાર્યવાહી કરી છે

New Delhi News : દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET-UG 2026 પેપર લીક કેસ (Neet Case)માં CBIએ વધુ એક મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ પુણેની વરિષ્ઠ બોટની શિક્ષિકા મનીષા ગુરુનાથ મંડરેની દિલ્હીમાંથી ધરપકડ (Teacher Arrested)કરી છે. CBIના જણાવ્યા અનુસાર, મનીષા મંડરે NEET-UG 2026ના બાયોલોજી પેપર લીક કૌભાંડની મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.

મનીષા મંડરે પુણેના શિવાજીનગર સ્થિત મોર્ડન કોલેજ ઓફ આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સમાં બોટની લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. તપાસમાં ખુલાસો થયો છે કે તેઓ છેલ્લા પાંચથી છ વર્ષથી NTA માટે પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં નિષ્ણાત તરીકે જોડાયેલા હતા.

વિદ્યાર્થીઓ માટે ખાસ ક્લાસ ચલાવ્યાનો આરોપ

CBIના દાવા મુજબ, મનીષા મંડરે પાસે વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રના પ્રશ્નપત્રોની સંપૂર્ણ ઍક્સેસ હતી. એપ્રિલ 2026 દરમિયાન, પુણેની મનીષા વાઘમારે મારફતે કેટલાક NEET ઉમેદવારોને એકત્ર કરી ખાસ ક્લાસ લેવામાં આવ્યા હતા.

આ ક્લાસમાં વિદ્યાર્થીઓને મહત્વના પ્રશ્નો સમજાવવામાં આવ્યા હતા અને નોટબુકમાં લખાવી પાઠ્યપુસ્તકોમાં માર્ક પણ કરાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું કે આમાંથી ઘણા પ્રશ્નો 3 મે, 2026ના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષાના મૂળ પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હતા.

દેશભરમાં CBIના દરોડા

CBIએ છેલ્લા 24 કલાકમાં દિલ્હી, પુણે સહિત દેશભરના છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન લેપટોપ, મોબાઇલ ફોન, બેંક સ્ટેટમેન્ટ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. હાલ આ તમામ સામગ્રીની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.

પેપર લીકના આરોપો બાદ NTAએ 3 મે, 2026ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષા રદ કરી હતી. આ કેસમાં અત્યાર સુધી કુલ 9 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

રસાયણશાસ્ત્રના નિષ્ણાત પીવી કુલકર્ણી પણ ઝડપાયા

Neet Caseમાં અગાઉ મહારાષ્ટ્રના લાતુરના રહેવાસી અને રસાયણશાસ્ત્રના નિષ્ણાત પીવી કુલકર્ણીની પણ ધરપકડ કરવામાં આવી હતી. કુલકર્ણી ઘણા વર્ષોથી મેડિકલ પ્રવેશ પરીક્ષાની શૈક્ષણિક પ્રક્રિયામાં જોડાયેલા હતા અને NTA માટે કરાર આધારીત નિષ્ણાત (NTA Expert)તરીકે કામ કરતા હતા.

CBI અનુસાર, કુલકર્ણીને રસાયણશાસ્ત્રના પ્રશ્નપત્રો સુધી સીધી ઍક્સેસ હતી. તેમણે લાખો રૂપિયામાં વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર સંબંધિત માર્ગદર્શન આપ્યાનો આરોપ છે.

અનેક શહેરોમાંથી આરોપીઓ ઝડપાયા

શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની ફરિયાદ બાદ CBIએ 12 મે, 2026ના રોજ FIR નોંધાવી હતી. ત્યારથી દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગર સહિત અનેક શહેરોમાં તપાસ ચાલી રહી છે.

કોર્ટ દ્વારા કેટલાક આરોપીઓને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. CBIનું કહેવું છે કે તપાસ દરમિયાન પેપર લીકના મુખ્ય આરોપીઓ તેમજ વચેટિયાઓની ઓળખ થઈ ગઈ છે.


આ પણ વાંચો : NEET પેપર લીકનો માસ્ટરમાઇન્ડ પ્રોફેસર ઝડપાયો

આ પણ વાંચો : NEET પેપર લીક વિવાદ વચ્ચે અમદાવાદ પહોંચ્યા ધર્મેન્દ્ર પ્રધાન, NSUIએ કાળા વાવટા સાથે કર્યો વિરોધ

આ પણ વાંચો : NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, ‘માસ્ટર માઈન્ડ’ ઝડપાયો, 2 સોલ્વરની પણ ધરપકડ