Maharashtra News : દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET-UG 2026 પ્રશ્નપત્ર લીક કેસ (Neet Paper Leak)માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. CBIએ આ કેસના કથિત માસ્ટરમાઇન્ડ અને રસાયણશાસ્ત્રના પ્રોફેસર પી.વી. કુલકર્ણીની મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી છે.
Neet પેપર લીક કેસ (Neet Paper Leak)નો આરોપી કુલકર્ણી ઘણા વર્ષોથી NEET પ્રશ્નપત્ર તૈયાર કરતી સમિતિ સાથે જોડાયેલો હતો
CBI અધિકારીઓના જણાવ્યા અનુસાર, લાતુરના રહેવાસી કુલકર્ણી ઘણા વર્ષોથી NEET પ્રશ્નપત્ર તૈયાર કરતી સમિતિ સાથે જોડાયેલા હતા. પ્રશ્નપત્ર સુધી સીધી પહોંચ હોવાના કારણે તેઓએ તેનો દુરુપયોગ કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પુણેમાં ઘરેથી ધરપકડ

CBI ટીમે પ્રોફેસર કુલકર્ણીને પુણે સ્થિત તેમના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કુલકર્ણી પોતાના ઘરે ખાસ કોચિંગ ક્લાસ ચલાવતા હતા અને પસંદગીના વિદ્યાર્થીઓને પ્રશ્નો તથા જવાબોની માહિતી આપતા હતા.
અધિકારીઓના જણાવ્યા મુજબ, એપ્રિલ 2026ના છેલ્લા અઠવાડિયામાં કુલકર્ણીએ અન્ય આરોપી મનીષા વાઘમારેની મદદથી કેટલાક વિદ્યાર્થીઓને ભેગા કર્યા હતા. મનીષા વાઘમારેને CBIએ 14 મેના રોજ ધરપકડ કરી હતી.
પરીક્ષા પહેલાં જ અપાયા હતા પ્રશ્નો
તપાસમાં સામે આવ્યું છે કે ખાસ ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રશ્નો, વિકલ્પો અને સાચા જવાબો હાથથી નોટબુકમાં લખાવવામાં આવ્યા હતા. આ પ્રશ્નો 3 મેના રોજ યોજાયેલી NEET-UG 2026 પરીક્ષાના મૂળ પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હોવાનું CBIએ જણાવ્યું છે.
ચાર વર્ષ પહેલાં નિવૃત્ત થયા હતા કુલકર્ણી
પ્રોફેસર કુલકર્ણી ચાર વર્ષ પહેલાં એક પ્રતિષ્ઠિત કોલેજમાંથી નિવૃત્ત થયા હતા. જોકે નિવૃત્તિ બાદ પણ તેઓ NEET માટે રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર તૈયાર કરતી સમિતિ સાથે જોડાયેલા હતા.
NEET-UG 2026 પરીક્ષા 3 મેના રોજ યોજાઈ હતી, પરંતુ પેપર લીકના ગંભીર આરોપો સામે આવતા કેન્દ્ર સરકારે 12 મેના રોજ પરીક્ષા રદ કરી હતી અને સમગ્ર મામલાની તપાસ CBIને સોંપી હતી.
લાતુરના કોચિંગ સેન્ટર પર પણ તપાસ
આ કેસમાં CBIએ લાતુરના પ્રખ્યાત કોચિંગ સેન્ટર ‘રેણુકાઈ કેમિસ્ટ્રી ક્લાસીસ (RCC)’ના ડિરેક્ટર શિવરાજ મોટેગાંવકરની પણ પૂછપરછ કરી છે. CBIની 28 સભ્યોની ટીમ હાલમાં લાતુરમાં કેમ્પ કરી રહી છે અને વિવિધ સ્થળોએ તપાસ ચલાવી રહી છે.
એક વિદ્યાર્થીના વાલીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા લેવાયેલા મોક ટેસ્ટના 42 પ્રશ્નો NEET પરીક્ષાના પ્રશ્નો સાથે મેળ ખાતા હતા. ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને બે કોચિંગ સેન્ટરના CCTV ફૂટેજ પણ જપ્ત કર્યા હતા.
અત્યાર સુધીમાં અનેક આરોપીઓ ઝડપાયા
Neet પેપર લીક કેસ (Neet Paper Leak)માં કુલકર્ણીની ધરપકડ પહેલા CBIએ મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી શુભમ ખૈરનાર, મનીષા વાઘમારે અને ધનંજય લોખંડે સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી. હવે આ સમગ્ર રેકેટમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : NEET પેપર લીક ઘટનામાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કોંગ્રેસની તપાસની માંગ
આ પણ વાંચો : NEET પેપર લીક વિવાદ વચ્ચે અમદાવાદ પહોંચ્યા ધર્મેન્દ્ર પ્રધાન, NSUIએ કાળા વાવટા સાથે કર્યો વિરોધ
આ પણ વાંચો : NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, ‘માસ્ટર માઈન્ડ’ ઝડપાયો, 2 સોલ્વરની પણ ધરપકડ
