Ahmedabad News: NEET પેપર લીક (Paper Leak)ઘટનામાં ગુજરાત કોંગ્રેસે (Congress) સુપ્રીમ કોર્ટ (Supreme Court) ની દેખરેખ હેઠળ તપાસની માંગ માંગ કરી છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ NEET પેપર લીક ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની જરાસરખી બેદરકારી કે ગફલતે 22 લાખ જેટલા પ્રતિભાશાળી અને મેધાવી વિદ્યાર્થીઓની કારકિર્દીને બરબાદ કરી છે. જો તેઓએ બરોબરનું ધ્યાન આપ્યું હોત તો આ પ્રકારનું પેપર લીક કૌભાંડ સર્જાયુ જ ન હોત.

NEET પેપર લીકથી 22 લાખ પ્રતિભાશાળીને અન્યાય
તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે NEET પેપર લીક કેસને ફક્ત એક કેસ તરીકે ન જોતાં એક રાષ્ટ્રીય વિપત્તિ તરીકે જોવો જોઈએ. પેપર લીકની ઘટનાએ નવ યુવા ડોક્ટરોની એક આખી પેઢીના સપના તોડી નાખ્યા છે. તેથી આખા પ્રકરણની ફક્ત સીબીઆઈ તપાસથી નહીં ચાલે, સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ આ આખા કૌભાંડની ચકાસણી કરવામાં આવે. આ ઘટનામાં દોષિત હોય તે બધાની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવે અને સામેલ બધી વ્યક્તિઓને કાયદા મુજબ આકરી સજા કરવામાં આવે.

નીટની વ્યવસ્થામાં માળખાકીય સુધારાની માંગ
તેમણે આ સાથે NEET-UG પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ વ્યવસ્થાગત સુધારાની માંગમાંગ કરી હતી, જેથી આ પ્રકારના બનાવનું પુનરાવર્તન ન થાય. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને લીક-પ્રૂફ અને પારદર્શક વ્યવસ્થાનો અધિકાર છે. તેમના આ અધિકાર પર કોઈની પણ તરાપ પડવી ન જોઈએ. વડાપ્રધાનને વિનંતી કે તેઓ આ બનાવમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ ફરીથી સ્થાપિત થાય તે માટેના પગલાં લે.

CBIની નોંધપાત્ર કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે નીટ પેપર લીક કેસમાં સીબીઆઈએ અત્યાર સુધીમાં સાત ધરપકડ કરી છે. તેમાથી પાંચ રાજસ્થાનમાંથી પકડાયેલા માંગી લાલ બિન્વાલ, દિનેશ બિન્વાલ, વિકાસ બિન્વાલ, હરિયાણાના ગુરુગ્રામના રહેવાસી યશ યાદવ અને નાસિકના શુભમ ખેરનારની ધરપકડ કરીને તેમને દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બધા આરોપીને સાત દિવસની કસ્ટડીમાં મોકલ્યા છે. સીબીઆઈએ આ ઉપરાંત પુણેથી મનીષા વાઘમારે અને નાસિકથી ધનંજય લોખંડેની ધરપકડ કરી હતી.
