Gujarat News : રાજય સરકારના મૌખિક આદેશ અને પરિપત્રને લઈને વીસંગતતા, તેમજ પાક નુકસાની સર્વે મામલે સરકારનું જુઠ્ઠાણું, ખેડૂતો ભડક્યા અંગેના અહેવાલો અમુક દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ થયા છે તે તથ્યહીન, સત્યથી વેગળા અને ભૂલ ભરેલા અર્થઘટન સાથેના છે એમ કૃષિ મંત્રી દ્વારા જણાવાયું છે.
મંત્રી એ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આ અહેવાલમાં મગફળીના દાણામાં ડેમેજ હશે તેમાં જ નુકસાની ગણાશે તેવા અહેવાલ પ્રસિધ્ધ કરાયા છે તે સંપૂર્ણ તથ્યહિન છે. રાજય સરકાર દ્વારા આ મુજબ નુકસાનીના પ્રકાર ગણવાની કોઈપણ પ્રકારની સૂચનાઓ પ્રસિદ્ધ કરાઈ નથી અને તા.30.10.2025ના પત્રથી ઓક્ટોબર-૨૦૨૫ માસમાં છેલ્લા દિવસોમાં કમોસમી વરસાદને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અસરગ્રસ્ત થયેલ ખેતી પાકોમાં નુકસાનીના નિયમોનુસાર તેમજ અસરગ્રસ્તો ખેડૂતોને તકલીફ ના પડે તેમ સર્વે માટે તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દિન-7 માં સર્વે પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આ ઉપરાંત “સરકારના મૌખિક આદેશમાં સર્વે માટે 7 દિવસ અને અને પરિપત્રમાં 20 દિવસમાં સર્વે ને લઈને વીસંગતતા” નાં અહેવાલ પણ ભૂલ ભરેલા ખોટા અર્થઘટન સાથેના તથા તથ્યહીન છે. તો આવી અફવાઓ અને ખોટી વાતોમાં ન આવવા ખેડુત ભાઇઓ-બહેનોને અપીલ કરાઈ છે.
આ અહેવાલોમાં જે 20 દિવસમાં સર્વે પૂર્ણ કરવાના પરિપત્રનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે હાલની કુદરતી આપત્તિની ઘટનાના ઘણા સમય પહેલા તા.12.5.2025 તથા તા.23.9.2025નાં રોજ ખરીફ, રવિ અને ઉનાળુ સિઝનમાં પાક નુકસાનીના ડીજીટલ સર્વે માટેની સ્થાયી અને કાયમી સૂચનાઓ અંગેનો ઠરાવ છે અને 20 દિવસની સર્વેની સમયમર્યાદા મહત્તમ સમયમર્યાદા દર્શાવેલ છે. જેમાં ફેરફાર કરી શકાય છે.
આ ઉપરાંત, હાલની આકસ્મિક કમોસમી વરસાદની પરીસ્થિતિમાં વિવિધ પાકોની કાપણીની અવસ્થાઓ ધ્યાને લઇ તાત્કાલીક કાર્યવાહી થઇ શકે તે માટે જીલ્લા વહીવટીતંત્રને દિન-7 માં સર્વે પૂર્ણ કરવાની સૂચનાઓ આપવામાં આવેલ છે.
આમ, રાજય સરકાર દ્વારા કુદરતી આપત્તિના પ્રકાર, વખતોવખતની સ્થળ પરીસ્થીતી અને સંજોગો ધ્યાને લઇ સર્વે કરવા અંગેની સમયમર્યાદા અને વહીવટી સૂચનાઓ આપવામાં આવતી હોય છે. જેથી સમયમર્યાદાની બાબતમાં કોઈ વિસંગતતા નથી. નુકસાનના પ્રકાર અને મગફળીનાં દાણા ઉગ્યો છે કે કેમ તે ચકાસવાની કોઇ સુચના સરકારશ્રી કક્ષાએથી મૌખિક કે લેખિત આપેલ નથી. જેથી ખોટી વાતો ફેલાવનારાઓથી ખેડુત સમાજ્ને ગેર માર્ગે દોરાઇને વાતમાં ન આવવા ફરી વિનંતિ અને અપીલ છે.
આથી હાલની કમોસમી વરસાદની પરિસ્થિતિ ધ્યાને લઇ તમામ જિલ્લાઓને સર્વેની કામગીરી ફીઝીકલ તેમજ જરૂરીયાત મુજબ ડીઝીટલ માધ્યમથી કરવા અને સરળતાથી અને કોઇપણ અસરગ્રસ્ત ખેડુતને મુશ્કેલી ના પડે તે રીતે દીન-7માં સર્વે પુર્ણ કરવા સુચનાઓ આપવામાં આવેલ છે.
આ પણ વાંચો: સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કરશે…
આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન
