સતત પાંચ દિવસના ઘટાડા બાદ સપ્તાહના અંતિમ સેશનમાં ભારતીય શેરબજારોમાં શાનદાર તેજી જોવા મળી છે. દિવસના ઉતાર-ચઢાવ બાદ માર્કેટ ઉપલા સ્તરોએ બંધ રહેવામાં સફળ રહ્યા છે. સેન્સેક્સ 641.72 અંક એટલે કે 1.30 ટકાના વધારા સાથે 49,858.24 ની સપાટીએ બંધ રહ્યો છે. તો નિફ્ટી 186.15 અંક એટલે કે 1.28 ટકાની મજબૂતી સાથે 14,744ની સપાટીએ બંધ રહ્યો છે. મિડ અને સ્મૉલકેપ શેરોમાં પણ વધારો જોવા મળ્યો છે. સેશનને અંતે બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 1.35 ટકા અને સ્મૉલકેપ ઇન્ડેક્સ 0.41 ટકા વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યો છે.
ઇન્ડેક્સના 30માંથી 25 શેરોમાં વધારો જોવા મળ્યો, જેમાં NTPCનો શેર સૌથી વધુ 4.6% ઉપર બંધ રહ્યો છે. આ શેર 4.53 ટકાના વધારા સાથે 108.50ની સપાટીએ બંધ રહ્યો છે. એચયુએલનો શેર 4.37 ટકાના વધારા સાથે 2312.05ની સપાટીએ બંધ આવ્યો હતો. તો પાવર ગ્રિડના શેરમાં 4.14 ટકાના વધારા સાથે 230.20ની સપાટી જોવા મળી હતી. જે.એસ.ડબલ્યુ શેરનો શેર 4.11 ટકા વધી 440.55ની સપાટીએ બંધ રહ્યો છે. યુપીએલમાં 24 રુપિયાના વધારા સાથે 625 પર ક્લોઝિંગ જોવા મળ્યું છે.
નિફ્ટીમાં ઘટનારા શેરો પર નજર કરીએ તો લાર્સનનો શેર 16 રુપિયા ઘટી 1411.25ની સપાટીએ બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રામાં 6.75 રુપિયાના ઘટાડે 989.45ની સપાટી જોવા મળી હતી. કોલ ઇન્ડિયાનો શેર 136ની સપાટીએ બંધ રહ્યો છે. બજાજ ઓટોમાં 14.45 રુપિયાના ઘટાડે 3650ની સપાટી જોવા મળી હતી. જો બીએસઇ સેકટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો બેઝિક મટિરિયલ્સ સેકટરમાં 1.88 ટકા, કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી ગુડ્સ અને સર્વિસિઝમાં 0.32 ટકા, એનર્જી સેકટરમાં 2.77 ટકા, એફએમસીજી સેકટરમાં 2.32 ટકા, ફાઇનાન્સ સેકટરમાં 0.81 ટકા તો હેલ્થકેર સેકટરમાં 1.14 ટકાનો વધારો જોવા મળ્યો છે.
