ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરીઓને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓએ શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં બિહારના એક ભેલપૂરીવાળા અને પુલવામામાં યુપીના રહેવાસી સગીર અહેમદની ગોળી મારી હત્યા કરી હતી. આઈજીપી કાશ્મીર વિજય કુમારે આ વાતની પુષ્ટિ કરી છે.
બિહારના બાંકાના રહેવાસી અરવિંદ કુમારની શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અરવિંદ કુમારને ઈદગાહના એક પાર્કની બહાર આતંકવાદીઓએ ગોળી મારી હતી. કુમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. થોડા સમય પછી, યુપીના સહારનપુરના રહેવાસી સગીર અહમદને પુલવામામાં ગોળી મારી દેવામાં આવી. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સગીરે પણ ઈજાને કારણે દમ તોડી દીધો હતો.
શનિવારે જ પોલીસે દાવો કર્યો હતો કે શ્રીનગરમાં લઘુમતી સમુદાયના સભ્યોની ગયા સપ્તાહે થયેલી હત્યામાં સામેલ ત્રણ આતંકવાદીઓ 24 કલાકના ગાળામાં માર્યા ગયા હતા. પાકિસ્તાની ષડયંત્ર મુજબ, તાજેતરમાં આતંકવાદીઓએ ઘણા બિન-મુસ્લિમ અને બિન-કાશ્મીરી લોકોના જીવ લીધા છે. 5 ઓક્ટોબરે શ્રીનગરમાં બિહારના એક રેકડી વાળાની હત્યા કરવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં કુલગામના નેહામા વિસ્તારમાં આતંકવાદીઓએ બિહારના એક મજૂરની હત્યા કરી હતી.
આ જ મહિનામાં આતંકીઓએ 8 નાગરિકોની હત્યા કરી છે. તેમાંથી 5 લઘુમતી સમુદાયના છે અને 6 હત્યા શ્રીગરમાં થઈ છે. ગયા અઠવાડિયે શ્રીનગરની એક સરકારી શાળામાં એક મહિલા મુખ્ય શિક્ષકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અગ્રણી કાશ્મીરી પંડિત અને શ્રીનગરની સૌથી પ્રખ્યાત ફાર્મસીના માલિક માખન લાલ બિંદુરૂની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. એક ‘ચાટ’ વિક્રેતા, બિહારના વીરેન્દ્ર પાસવાન અને અન્ય એક નાગરિક મોહમ્મદ શફી લોનની પણ આતંકવાદીઓએ હત્યા કરી હતી. સત્તાવાર આંકડાઓ અનુસાર, 2021 માં આતંકવાદીઓ દ્વારા અત્યાર સુધીમાં કુલ 30 નાગરિકો માર્યા ગયા છે.
પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી ISIએ તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માં અનેક આતંકવાદી સંગઠનોના નેતાઓને મળ્યા હતા અને તેમને કાશ્મીરી પંડિતો અને બિન-મુસ્લિમોને નિશાન બનાવીને જમ્મુ-કાશ્મીરમાં વધુ હુમલા કરવા જણાવ્યું હતું. તદનુસાર, એજન્સીઓએ એલર્ટ જારી કર્યું છે. આ મુજબ ISI એ આતંકવાદીઓને ટાર્ગેટ કિલિંગ વધારવા માટે કહ્યું છે.
