પેપર લીક કાંડ/ આ પેપર નહિ પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું : અમિત ચાવડા

આ પેપરફોડ સરકારને ઘરભેગી કરવા માટે કોંગ્રેસ રસ્તા પર ઉતરી લડી અને યુવાનોની સાથે મળી સંઘર્ષ કર્યો. જ્યારે ચુંટણી આવી હતી ત્યારે પણ વારંવાર કહ્યું હતું કે આ પેપરફોડ સરકારને ઘરભેગી કરો, પેપર ફોડવા વાળાને જેલ ભેગા કરો.

Top Stories Ahmedabad Gujarat
પેપર

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા સંદર્ભે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે,આ પેપર નહિ પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું છે. ભાજપ સરકારમાં બેઠેલાં લોકો દ્વારા પેપર ફોડીને પોતાના મળતિયાઓને નોકરીમાં ઘુસાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. ગુજરાતના યુવાનો હતાશ અને નિરાશ ન થાય, ફરી એક વાર કોંગ્રેસ તમારા માટે લડાઈ લડશે.

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા  અમિત ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. આ પેપર નહિ પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું છે. બધાએ જોયું કે પાછલા વર્ષોમાં પેપર ફોડવાનું પરંપરા રહી છે. એક – બે વાર નહિ 20 કરતા વધારે વખત પેપર ફોડ્યા.

આ પેપરફોડ સરકારને ઘરભેગી કરવા માટે કોંગ્રેસ રસ્તા પર ઉતરી લડી અને યુવાનોની સાથે મળી સંઘર્ષ કર્યો. જ્યારે ચુંટણી આવી હતી ત્યારે પણ વારંવાર કહ્યું હતું કે આ પેપરફોડ સરકારને ઘરભેગી કરો, પેપર ફોડવા વાળાને જેલ ભેગા કરો. પણ ગુજરાતના યુવાનો નરેન્દ્રભાઇ મોદી, અમિત શાહની વાતોમાં આવી ગયા. બહુમતી આવી અને હવે ભુપેન્દ્રભાઈની ભાજપ સરકારને 156 નું અભિમાન આવી ગયું. જે પરીક્ષા જુનિયર ક્લાર્કની  આજે યોજાવાની હતી. લગભગ 10 લાખ ગુજરાતના યુવાનો પોતાના ભવિષ્ય માટે પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યાં ફરી પેપર ફૂટ્યું ત્યારે આનો સ્પષ્ટ મતલબ છે કે ભાજપ સરકારમાં બેઠેલાં લોકો દ્વારા પેપર ફોડીને પોતાના મળતિયાઓને નોકરીમાં ઘુસાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. જેની પાસે પૈસા હોય, લાગવગ હોય તેને જ ગુજરાતમાં નોકરી મળે, સામાન્ય ગુજરાતીના દીકરા – દીકરીઓને નોકરી ન મળે તેવું આ ભાજપ સરકારમાં છેલ્લા 25 થી વધુ વર્ષથી ચાલે છે.

મારી ગુજરાતના યુવાનોને વિનંતી છે કે આવો, ફરી એક વાર કોંગ્રેસ તમારી માટે લડવા માંગે છે, સાથે મળીને લડીએ. ખાલી એક પેપર કે એક પરીક્ષા માટે નહિ પણ ગુજરાતમાં કોઈ પણ પેપર ફોડવાની હિંમત ન કરે એવી એકતાનું દર્શન આપણે રસ્તા પર ઉતરી બતાવવું પડશે. આ સરકારની સાન ઠેકાણે લાવવી પડશે. સરકારને પણ કહેવું છે, ભારતના પ્રધાનમંત્રી, ગૃહમંત્રીને પણ કહેવું છે કે તમે મત માંગવા આવ્યા હતા. તમે યુવાનોને ગુજરાતમાં સરકાર બનાવવા માટે અપીલ કરી હતી. હવે આવો, યુવાનોને જવાબ આપો.

યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે. કોણ જવાબદાર છે? એની તપાસ કરો. જે પણ જવાબદાર હોય તેને તાત્કાલિક જેલ ભેગા કરો. જે પણ મંત્રી – સરકારમાં બેઠેલાં જવાબદાર હોય તેના રાજીનામા લઈ ગુજરાતના યુવાનોને બતાવો તમે ખરેખર યુવાનોની ચિંતા કરો છો.

આ પણ વાંચો:વડોદરાથી 15 લોકોની ATSએ કરી ધરપકડ, CCTV આવ્યા સામે

આ પણ વાંચો:પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ખીણમાં પડી બસ, 39 લોકોના મોત

આ પણ વાંચો:વર્ષના પ્રથમ ‘મન કી બાત’માં PM મોદીએ કહ્યું- આપણે સ્વભાવે લોકશાહી સમાજ છીએ