Peshawar blast U-turn: પાકિસ્તાનના પેશાવર શહેરની પોલીસ લાઈનમાં સ્થિત મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 100 થઈ ગઈ છે. મંગળવારે રેસ્ક્યુ ટીમે કાટમાળમાંથી ઘણા લોકોના મૃતદેહ બહાર કાઢ્યા, આ સાથે જ મૃત્યુઆંક 100 પર પહોંચી ગયો છે. એજન્સીઓને આશંકા છે કે મૃત્યુઆંક 100થી વધુ હોઈ શકે છે. પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલમાં હજુ પણ ગંભીર રીતે ઘાયલ ઘણા લોકોની સારવાર ચાલી રહી છે. વિસ્ફોટમાં ઘાયલોની સંખ્યા 221 પર પહોંચી ગઈ છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.
સુરક્ષા એજન્સીઓએ સ્થળ પરથી વિસ્ફોટમાં ઉડી ગયેલું માથું કબજે કર્યું છે. તપાસ એજન્સીઓનો દાવો છે કે આ માથું આત્મઘાતી હુમલાખોરનું છે. જે નમાઝીઓ સાથે આગલી હરોળમાં ઉભા હતા. આ વ્યક્તિએ નમાજ દરમિયાન પોતાની જાતને ઉડાવી દીધો હતો. બ્લાસ્ટની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બ્લાસ્ટ બાદ મસ્જિદની છત ઉડી ગઈ હતી. અને તેના કાટમાળમાં ઘણા લોકો દટાયા હતા. સોમવારે બપોરે 1.40 વાગ્યે બ્લાસ્ટ થયાને 24 કલાક વીતી ગયા છે. તપાસ એજન્સીઓ હજુ પણ મહત્વપૂર્ણ કડીઓ શોધી રહી છે. કેપિટલ સિટી પોલીસ ઓફિસર પેશાવર મોહમ્મદ એજાઝ ખાને જણાવ્યું હતું કે હુમલો આત્મઘાતી હુમલો હતો અને હુમલાખોરનું કપાયેલું માથું ઘટનાસ્થળેથી મળી આવ્યું હતું.
પોલીસને શંકા છે કે હુમલાખોર બ્લાસ્ટ પહેલા પોલીસ લાઈનમાં હાજર હતો. એવી આશંકા છે કે આ ફિદાયીન હુમલાખોર સરકારી વાહનમાં મસ્જિદની અંદર ઘૂસ્યો હશે. ખાને કહ્યું કે વિસ્ફોટનું ચોક્કસ કારણ અને પ્રકૃતિ બચાવ કામગીરી પૂરી થયા પછી જ જાણી શકાશે. પેશાવરના પોલીસ વડા મુહમ્મદ એજાઝ ખાને જણાવ્યું હતું કે વિસ્ફોટનો ભોગ બનેલા 90 ટકાથી વધુ પોલીસકર્મીઓ હતા, જેમાંથી 300 થી 400 ની વચ્ચે કમ્પાઉન્ડની મસ્જિદમાં નમાજ માટે એકઠા થયા હતા. જણાવી દઈએ કે પાકિસ્તાન તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી છે. પાકિસ્તાન તાલિબાન તહરીક-એ-તાલિબાન તરીકે પણ ઓળખાય છે. TTPએ કહ્યું છે કે તેઓએ ગયા વર્ષે ઓગસ્ટમાં તેમના નેતા ઉમર ખાલિદ ખુરાસાનીની હત્યાનો બદલો લીધો છે. TTP એ ખુલ્લેઆમ દાવો કરીને પાકિસ્તાન સરકારને ખુલ્લો પડકાર આપ્યો છે.
ઉમર ખાલિદ ખુરાસાની ઓગસ્ટ 2022 માં અફઘાનિસ્તાનમાં માર્યા ગયા હતા જ્યારે તેમની કારને નિશાન બનાવતા વિસ્ફોટ થયો હતો. જેમાં ખોરાસાની સહિત 3 લોકોના મોત થયા હતા. જો કે, ડોન અનુસાર, ટીટીપીએ પાછળથી આ હુમલાથી પોતાને દૂર કરી લીધા. કોઈ પ્રતિબંધિત સંગઠને આ હુમલો કર્યો હોવાનું આંકવામાં આવી રહ્યું છે. ખૈબર પખ્તુનખ્વાના આઈજી મોઅઝમ જાહ અન્સારીએ કહ્યું કે ટીટીપીએ આ હુમલામાં સામેલ હોવાનો ઈન્કાર કર્યો છે. આ પછી પોલીસને શંકા હતી કે આ ઘટનામાં જમાતુલ અહરાર સામેલ હોઈ શકે છે. તેણે જણાવ્યું કે, જમાતુલ અહરાર અમુક હદ સુધી TTP સાથે સંકળાયેલું છે, પરંતુ થોડા સમય માટે ઉમર ખાલિદ ખોરાસાનીના મૃત્યુ પછી, તેઓ અલગ થઈ ગયા. તેઓએ ગઈકાલે રાત્રે દાવો જારી કર્યો અને અમે તપાસ કરી રહ્યા છીએ.
બીજી તરફ ખૈબર પખ્તુનખ્વાના આઈજી મૌઝમ જાહ અંસારીએ કહ્યું છે કે સૌથી મોટો સવાલ એ છે કે હુમલાખોર પોલીસ લાઈનમાં કેવી રીતે આવ્યો અને પછી તે મસ્જિદની અંદર કેવી રીતે ઘુસ્યો?
તેમણે વધુમાં જણાવ્યું કે ત્યાં એક કેન્ટીન છે, ત્યાં બાંધકામનું કામ પણ ચાલી રહ્યું છે. કોઈક રીતે ઓછી માત્રામાં વિસ્ફોટકો અહીં ધીમે ધીમે લાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અહીં ફરિયાદ નિવારણ કેન્દ્ર પણ છે, તેથી સામાન્ય લોકો પણ અહીં આવતા રહે છે. આઈજીએ કહ્યું કે અધિકારીઓનો અંદાજ છે કે વિસ્ફોટને અંજામ આપવા માટે 10-12 કિલો વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોટા ભાગનું નુકસાન વિસ્ફોટક સામગ્રીને કારણે થયું નથી; વિસ્ફોટના આંચકાને કારણે છત તૂટી પડી હતી, જેના કારણે લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
ખૈબર પખ્તુનખ્વાના કાર્યપાલક મુખ્ય પ્રધાન મુહમ્મદ આઝમ ખાને આ હુમલા બાદ મંગળવારે પ્રાંતમાં એક દિવસના શોકની જાહેરાત કરી છે. પાકિસ્તાનમાં થયેલા આ વિસ્ફોટ પર ભારતે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારતે સોમવારના હુમલાના પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. બાગચીએ ટ્વીટ કર્યું, “ભારત ગઈ કાલે પેશાવરમાં થયેલા આતંકવાદી હુમલામાં પીડિતોના પરિવારો પ્રત્યે તેની ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. અમે આ હુમલાની સખત નિંદા કરીએ છીએ જેમાં ઘણા લોકોના જીવ ગયા છે.”
આ પણ વાંચો: Entertentment/અલ્લુ અર્જુનની ‘અલા વૈકુંઠપ્રેમુલુ’નું હિન્દી ડબ વર્ઝન ઓનલાઈન રિલીઝ થશે, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો
