Ahmedabad News : ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા જઈ રહ્યું છે. UCC લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને અનેક નિયમોમાં બદલાવ આવશે. આથી આજે આમ આદમી પાર્ટી(AAP) અને કોંગ્રેસ(Congress) દ્વારા પણ આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ વિરોધ કર્યો છે.
UCC નિષ્ફળતા ઢાંકવા માટેનો પ્રયાસ; મનીષ દોશી
મનીષ દોશીએ UCC કાયદાને લઈને જણાવ્યું હતું કે દેશમાં સતત વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને રૂપિયાનું થતું અવમૂલ્યન સંપૂર્ણ નાકામી ખેડૂત,ખેતી અને હિન્દુસ્તાન બરબાદ થાય તેવી ભાજપની નાકામી તેમજ કેન્દ્રની ભાજપ સરકાર હોય કે રાજ્યની ભાજપ સરકાર પોતાની પાર્ટીની અંદરની ખેંચતાણને લઈને ગુજરાત અને ગુજરાતની જનતા પરેશાન છે વહીવટી તંત્ર ઠપ થઈ ગયું છે. ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં ગળાડુબ હોય તેવામાં આજે UCCનું ગઠન કરવા માટે જે કમિટીની જાહેરાત કરવામાં આવી છે. તે ભાજપાની નિષ્ફળતા ઢાંકવા માટે અને ભાજપના વરિષ્ઠ નેતાઓના બયાનો ભાજપનું ખેસ પહેરો અને લૂંટનું લાયસન્સ લઈ જાઓ. તેવી તમામ બાબતો ઢાંકવા માટેનો સરકારનો UCC કાયદો એક પ્રયાસ છે.
યુનિફોર્મ હેલ્થ કોડ, યુનિફોર્મ લો લાગુ કરવાની જરૂર
UCC મુદ્દે તેમને જણાવ્યું હતું કે 2018માં લો કમિશને ભારત સરકારે તમામ પાસાઓ ચકાસીને સમાન સિવિલ કોડની દરખાસ્ત ફગાવી દીધી હતી. સરકાર આ બધું જાણતી હોવા છતાં પણ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી આ બંને વિભાગો ભ્રષ્ટાચારના પર્યાય બની ચૂક્યા છે. જ્યારે આ મુદ્દે કોંગ્રેસ પક્ષ સરકારને ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા માટે આમંત્રીત કરે છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં આજે એજ્યુકેશન યુનિફોર્મ કોડ, યુનિફોર્મ હેલ્થ કોડ, સમાન ન્યાય માટે યુનિફોર્મ લો, યુનિફોર્મ સર્વિસ કોડ લાગુ કરવાની જરૂર છે. જો સરકાર ખરેખર નાગરિકોનું સારું હિત ઈચ્છતી હોય, નીતિ સાચી હોય તો આ તમામ પ્રકારના કાયદાઓ લાગુ કરી બતાવે. આ કાયદાથી સૌથી વધુ અસર આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ, ભરવાડ સમાજને થશે.
‘AAP’ ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC અંગે પ્રતિક્રિયા
‘AAP’ ધારાસભ્ય ચૈતર વસાવાએ UCC અંગે પ્રતિક્રિયા AAPતા જણાવ્યું હતું કે વિવિધતામાં એકતા એ ભારત દેશની ઓળખ છે. દેશ વિભિન્ન ધર્મ સંપ્રદાયો અને જાતિઓમાં વહેંચાયેલો છે જેમના પોતાના અલગ અલગ સામાજિક અને ધાર્મિક નીતિનિયમો છે. ગુજરાતમાં આદિવાસી સમાજની 15% એટલે કે 1 કરોડ 25 લાખની વસ્તી છે. તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા UCC માટેની કમિટીમાં એક પણ આદિવાસી સભ્યનો સમાવેશ નથી. આદિવાસી સમાજને મળેલ બંધારણીય પ્રાવધાન રક્ષણ આર્ટીકલ-371, અનુસુચિ 5 અને 6, પેસા એક્ટ-1996, શૈક્ષણીક અને રાજકીય અનામત, જમીનોનો રક્ષણ કાયદો, વન અધિકાર અધિનિયમ જેવા અનેક નિયમો UCC લાગુ થવાથી નષ્ટ થઈ જશે. દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ આદિવાસી સમાજ અન્ય કરતા તમામ રીતે પછાત છે. એવામાં UCC લાગુ કરવામાં આવશે તો આદિવાસીઓનું અસ્તિત્વ અને સંસ્કૃતિ ખતમ થઈ જશે.
UCC કમિટી પર કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નિવેદન
UCC કમિટી પર કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ પ્રતિક્રિયા આપી છે. UCCની 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે તેમાં એક પણ મુસ્લિમ સમુદાયના લોકોને સ્થાન આપવામા આવ્યું નથી. હાલ ફક્ત કમિટીની રચના કરવામાં આવી છે બાદમાં મુસદ્દો તૈયાર થયા બાદ લોકો સમક્ષ મૂકવામાં આવશે. તેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેના પર ચર્ચા વિચારણા કરશે. તમામ સમાજને સાથે રાખીને જો મુસદ્દો તૈયાર કરવામાં આવશે તો તમામ સમાજનું હિત સચવાશે. મુસ્લિમ સમાજ સાથે અન્યાય થશે તો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા સુધી ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું.
UCC અંગે ‘AAP’ નેતા ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા
UCC અંગે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. ઈસુદાન ગઢવીએ નિવેદન AAPતા જણાવ્યું હતું કે, UCCમાં ઘણી બધી બાબત એવી છે કે પરંપરાગત સંસ્કૃતિ પર તરાપ છે. માલધારી સમાજના અલગ રિવાજ છે. આદિવાસી સમાજમાં બહુ પત્નીત્વ અને અન્ય રિવાજ છે. તેમજ આદિવાસી સમાજની ગુજરાતમાં ૨૭ સીટ છે જેમાં આ એકેય સીટ પર ભાજપ જીતી શકશે નહિ. UCC ને કારણે ઈસાઈ, શીખ સહિતનાં લોકોને અસર થશે. ચૂંટણી આવે એટલે આ પ્રકારની યુક્તિઓ સામે આવે છે. તેમને મોંઘવારીથી કોઈ લેવાદેવા નથી. વિવિધ સમાજને આ UCC નડતરરૂપ થશે તો AAP તેનો વિરોધ કરશે.
આ પણ વાંચો: UCC મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કમિટીની કરી રચના
આ પણ વાંચો: UCCમાં મિલકતની વહેંચણીના નિયમો બદલાયા, અમાન્ય લગ્નથી જન્મેલા બાળકો પણ મિલકતના હકદાર
