સમગ્ દેશ માં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે .ત્યારે કોરોના દર્દીઓનું યોગ્ય સારવારના અભાવે મૃત્યુ થતું આપણને જોવા મળી રહ્યું છે ત્યારે પીએમ કેર ફંડમાંથી મંગાવવામાં આવેલા વેન્ટીલેટર્સની ગુણવત્તા પર સવાલ ઉઠવા લાગ્યાં છે. ગત વર્ષે પીએમ કેર ફંડ અંતર્ગત પંજાબમાં આપવામાં આવેલા વૅન્ટિલેટર્સનો કોઈ ઉપયોગ નથી થઈ રહ્યો. જેની પાછળ વેન્ટીલેટર્સની ખરાબ ગુણવત્તાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. એવું કહેવાય છે કે, આ વેન્ટિલેટર્સ થોડી વાર ચાલ્યા બાદ આપમેળે જ બંધ થઈ જઈ રહ્યાં છે.
ફરીદકોટની ગુરુ ગોવિંદસિંહ મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં સપ્લાય કરવામાં આવેલા 80માંથી 71 વૅન્ટેલેટર્સ ખરાબ છે. આ વેન્ટીલેટર્સ AgVa Healthcare દ્વારા પીએમ કેર ફંડઅંતર્ગત પૂરા પાડવામાં આવ્યા હતા. મેડિકલ કૉલેજના ડૉક્ટરોનું કહેવું છે કે, આ વેન્ટિલેટર્સની ગુણવત્તા ખરાબ છે અને ઉપયોગ દરમિયાન એક કે બે કલાકની અંદર જ બંધ થઈ રહ્યાં છે.
એનેસ્થેસિસ્ટ્સનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા આ વેન્ટિલેટર્સની ગુણવત્તા પર વિશ્વાસ કરી શકાય તેમ નથી, કારણ કે જ્યારે આ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે અચાનક તે કામ કરવાનું બંધ કરી રહ્યાં છે.
મેડિકલ કૉલેજના અધિકારીઓએ જણાવ્યું કે, ફરિદકોટ મેડિકલ કૉલેજમાં 39 વેન્ટિલેટર હતા. જેમાંથી 32 કાર્યરત હતા. હોસ્પિટલમાં 300થી વધુ કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ વૅન્ટિલેટર્સની કમીના કારણે મોટી મુશ્કેલી ઉભી થઈ હતી.
પંજાબના મુખ્ય સચિવ વિની મહાજને ખરાબ વેન્ટિલેટર્સના રિપેરિંગ માટે એન્જિનિયરો અને ટેક્નિશિયનોને કામ પર રાખવાની મંજૂરી આપી દીધી છે. તેઓ આજે ફરિદકોટ પહોંચી શકે છે. રાજ્ય સરકારે મેડિકલ કૉલેજને આશ્વાસન આપ્યું છે કે, પ્રાથમિક્તાના ધોરણે હોસ્પિટલને 10 નવા વેન્ટિલેટર્સ આપવામાં આવશે.
