@અમિત રૂપાપરા
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ છે કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ભુપત આહીર ઉર્ફે ભુપત બહારવટિયાને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. ભુપત સામે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેર બ્રાન્ચ ભુપત આહીરને પકડવા માટે અગાઉ રાજસ્થાન તેમજ બિહાર સહિતના રાજ્યમાં પણ ગઈ હતી અને દિવસ રાત તેને પકડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અંતે મુંબઈમાં ચાર દિવસના ગુપ્ત ઓપરેશન બાદ ભુપત આહીર સુરત ક્રાઈમ બ્રાન્ચના ચકંજામાં આવ્યો હતો.
ભુપત આહીર પોલીસ પર ફાયરિંગ કરતાં પણ અચકાતો ન હતો અને તેની સામે અગાઉ 35થી વધુ સિરિયસ ગુનાઓ પણ નોંધાયેલા છે. 13-09-2022ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં આવેલ કમલપાર્ક સોસાયટીમાં આવેલા એક મકાનમાં હીરાની ઓફિસ ધરાવતા પ્રવીણ નકુમ પર કોઈ અજાણ્યા ઇસમ દ્વારા હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી. આ બાબતે અગાઉ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગિરીશ નકુમ અને આશિષ ગાજીપરા નામના ઇસમની ધરપકડ કરવામાં આવી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે ગિરીશ નકુમ નામનો આરોપી મૃતક પ્રવિણની ઓફિસ નજીક જ એક હીરાની ઓફિસ ધરાવતો હતો અને મૃતક સાથે નવ મહિનાથી હીરાની લેતી દેતી અને વેપાર કરતો હતો. જો કે પ્રવીણની ઓફિસમાં રોકડા રૂપિયા તથા 10થી 12 લાખના હીરા હોવાનું ગિરીશને જાણવા મળ્યું હતું. તેથી ગીરીશે અન્ય લોકો સાથે મળી આ ઘટનાને અંજામ આપવાનો પ્લાનિંગ બનાવ્યું. તેને પોતાના સાગરીત ભુપત આહીરને ગીરીશે આ માહિતી આપી હતી અને ત્યારબાદ ભુપત આહીરે, આશિષ ગાજીપરા સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો.
ત્યારબાદ ભુપત આહીર અને આશિષ ગાજીપરાએ પ્રવીણની ઓફિસમાં જઈ ભુપત આહીર તેમજ અન્ય આરોપીએ પ્રવીણને પકડી ઢોર માર્યો હતો. લોખંડના પાઈપ પડે પણ માર મારવામાં આવ્યો હતો અને આ ઘટનામાં ગંભીર ઇજાના કારણે પ્રવીણનું મોત થયું હતું. ભુપત આહીર પોલીસથી બચવા માટે ભાગતો ફરતો હતો અને તે બાર વર્ષનો હતો ત્યારથી જ તે ગુનાખોરી કરવા લાગ્યો હતો. તેની સામે ચોરી, લૂંટ, ધાડ, અપહરણ, મારામારી, ખંડણી અને ધમકી જેવા ગુનાઓ પણ અગાઉ નોંધાયા છે. ભુપત આહીરની છાપ બહારવટિયા તરીકે પણ હતી અને અવારનવાર જેલમાં પણ જઈ ચુક્યો છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મુંબઈમાં એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી ભુપત આહીરને ઝડપી પાડ્યો હતો અને તે છેલ્લા દસ મહિનાથી પોલીસથી બચવા ભાગતો ફરતો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભુપતનો કબજો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં મહેસાણાના ત્રણ કૌટુંબિક ભાઈઓના મોત
આ પણ વાંચો:પહેલી જુલાઇથી નંબર પ્લેટ વિનાના વાહનોને દંડ ફટકારવામાં આવશે
આ પણ વાંચો:ભાજપના સાંસદ ગીતાબેન રાઠવાની કારને અકસ્માત, નીલગાય અથડાઈ
આ પણ વાંચો:પતિ-પત્નીના ઝગડામાં પુત્ર બન્યો બલિનો બકરો