ભાજપને હરાવવા માટે/ ઓવૈસીની પાર્ટી રાજ્યસભાની ચૂંટણીમાં શિવસેનાની આગેવાની હેઠળના MVA ઉમેદવારને આપશે મત

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી (AIMIM) એ શિવસેનાના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડીના ઉમેદવારને મત આપવાની જાહેરાત કરી છે.

Top Stories India

મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 6 બેઠકો માટે આજે ચૂંટણી ચાલી રહી છે. આ પહેલા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી (AIMIM) એ શિવસેનાના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડીના ઉમેદવારને મત આપવાની જાહેરાત કરી છે. જોકે, AIMIMના ધારાસભ્યો કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપશે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદથી AIMIM સાંસદ ઈમ્તિયાઝ જલીલે વોટિંગ પહેલા ટ્વિટ કરીને પાર્ટીના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે AIMIMના ધારાસભ્યો મહાવિકાસ અઘાડીના ઉમેદવારને મત આપશે. 288 બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં AIMIM પાસે 2 ધારાસભ્યો છે.

AIMIM સાંસદ ઈમ્તિયાઝ જલીલે કહ્યું કે, અમારી પાર્ટીએ ભાજપને હરાવવા માટે રાજ્યસભામાં મહાવિકાસ અઘાડીના ઉમેદવારને મત આપવાનો નિર્ણય કર્યો છે. “અમારી વિચારધારા શિવસેના કરતા અલગ રહેશે, જે MVA કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધનમાં છે,” તેમણે કહ્યું. અસદુદ્દીન ઓવૈસીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમારા 2 ધારાસભ્યો કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપશે.

જલીલે કહ્યું કે તેમની પાર્ટીએ ધુલે અને માલેગાંવ બંને સીટો પર સરકાર સામે વિકાસની શરતો મૂકી છે. AIMIM એ મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) માં લઘુમતી સભ્યોની નિમણૂક કરવા અને મહારાષ્ટ્ર વક્ફ બોર્ડની આવક વધારવા માટે પગલાં લેવા સરકારને પણ વિનંતી કરી છે. પાર્ટી દ્વારા મુકવામાં આવેલી બીજી શરત મુસ્લિમોને અનામત આપવા અંગેની છે.

મહારાષ્ટ્રમાં 6 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. અહીં 6 બેઠકમાં અપક્ષોની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી ગઠબંધને ચાર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે ભાજપે 3 ઉમેદવારો ઉભા રાખ્યા છે. મહારાષ્ટ્રમાં રાજ્યસભાની સીટ જીતવા માટે 42 ધારાસભ્યોની જરૂર છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો છે. મહાવિકાસ આઘાડીને 168 ધારાસભ્યોનું સમર્થન છે. જેમાં શિવસેનાના 55, એનસીપીના 53, કોંગ્રેસના 44 અને અન્ય પક્ષોના 8 અને 8 અપક્ષનો સમાવેશ થાય છે. ભાજપના 106 ધારાસભ્યો છે. જ્યારે અન્ય 7 લોકો સપોર્ટેડ છે. આવી સ્થિતિમાં ભાજપ પોતાના બે ઉમેદવારોને સરળતાથી જીતાડશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને અનિલ બોંડે સરળતાથી રાજ્યસભામાં પહોંચી જશે. પરંતુ ત્રીજા ઉમેદવાર ધનંજય મહાડિક પાસે 29 મત છે, તેથી તેમને જીતવા માટે વધુ 13 મતોની જરૂર છે.

વિધાનસભામાં શિવસેનાના 55, એનસીપીના 54 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો છે. ગઠબંધનના ત્રણેય પક્ષો સરળતાથી એક-એક બેઠક જીતી રહ્યા છે. ત્યાર બાદ શિવસેનાને 13, એનસીપીને 12 અને કોંગ્રેસને 2 વોટ બાકી છે. કુલ 27 વોટ ગઠબંધન સાથે છે. જ્યારે તેને વધુ 15 વોટની જરૂર પડશે. 6 બેઠક પર શિવસેનાના સંજય પવાર અને ભાજપના ધનંજય મહાડિક વચ્ચે જંગ છે.