Not Set/ પંચમહાલ : કાલોલના સફાઈ કામદારની દિકરીનું જિલ્લા કલેક્ટર અમિત અરોરાના હસ્તે બહુમાન

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં સફાઈકર્મીઓના સંતાનો પૈકી રાજ્યભરમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો

Gujarat Others

જિલ્લા સેવાસદન-ગોધરા ખાતે આજે કલેક્ટર અમિત અરોરાના હસ્તે કાલોલના ભાવિકાબેન અમિતભાઈ સોલંકીનું ધોરણ-૧૨માં ઉત્કૃષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન બદલ પ્રશસ્તિપત્ર તેમજ રૂ.૧૧,૦૦૦/- નો ચેક આપી સન્માન કરવામાં આવ્યું હતું. ભાવિકાબેન સોલંકીએ વર્ષ ૨૦૨૦ માં સામાન્ય પ્રવાહની ધોરણ-૧૨ની પરીક્ષામાં અનુકરણીય પ્રદર્શન કરતા સફાઈ કામદારોના બાળકો પૈકી સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. તેમણે ૭૯.૭૩ ટકા ગુણ પ્રાપ્ત કર્યા હતા. જિલ્લા કલેક્ટર એ આ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવતા તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ આપી હતી. જિલ્લા સમાહર્તાએ આ તેજસ્વી દિકરી સાથે પ્રોત્સાહક સંવાદ કરવા સાથે બે પુસ્તકો પણ ભેટ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સફાઈ કામદારોના બાળકો અને તેઓના આશ્રિતોના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડની પરીક્ષામાં સફાઈ કામદારોના બાળકો પૈકી સમગ્ર રાજ્યમાં ૧ થી ૩ ક્રમ મેળવતા બાળકોને પ્રોત્સાહનરૂપે રોકડ રકમઅને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.