Entertainment News/ જૂની અદાવતમાં પંકજ ત્રિપાઠીના મોટા ભાઈ પર જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં પટણા રિફર

બિહારમાં અભિનેતા પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) ના મોટા ભાઈ બિજેન્દ્ર નાથ તિવારી પર જીવલેણ હુમલો, ગંભીર હાલત

Top Stories Entertainment
Pankaj Tripathi

બોલિવૂડના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) ના મોટા ભાઈ બિજેન્દ્ર નાથ તિવારી પર બિહારના ગોપાલગંજ જિલ્લામાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માધોપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બેલસંડ ગામમાં જૂની અદાવત અને વ્યક્તિગત વિવાદના કારણે હુમલાખોરોએ ધારદાર હથિયાર વડે તેમના પર તાબડતોબ હુમલો કર્યો હતો.

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બિજેન્દ્ર નાથ તિવારી લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે પટણા રિફર કરવામાં આવ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ હુમલો જૂની રંજિશ અને લાંબા સમયથી ચાલતા વિવાદના કારણે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હુમલાખોરોએ પૂર્વ આયોજન સાથે ઘાત લગાવીને બિજેન્દ્ર નાથ તિવારીને નિશાન બનાવ્યા હતા.

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને ટેકનિકલ તેમજ સ્થાનિક સૂત્રોના આધારે મુખ્ય શંકાસ્પદ આરોપીની ઓળખ કરી લીધી છે. તેની ધરપકડ માટે વિવિધ સ્થળોએ સઘન દરોડા પાડવામાં આવી રહ્યા છે.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડાએ વિશેષ તપાસ ટીમની રચના કરી છે. સદર SDPO-2 રાજેશ કુમારના નેતૃત્વ હેઠળની આ ટીમ આરોપીઓની શોધખોળ અને પુરાવા એકત્ર કરવાની કામગીરીમાં લાગી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપીઓને ટૂંક સમયમાં કાયદાની પકડમાં લેવામાં આવશે.


આ પણ વાંચો: બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીના સાળાનું રોડ અકસ્માતમાં મોત, બહેનની હાલત ગંભીર

આ પણ વાંચો: ‘હાર્ટ ઑફ ગોલ્ડ, બોડી ઑફ આયર્ન’, પંકજ ત્રિપાઠીની ‘મૈં અટલ હૂં’ આ દિવસે રિલીઝ થશે

આ પણ વાંચો: હોટસીટ પર બેસશે પંકજ ત્રિપાઠી-પ્રતિક ગાંધી, બીગ બી સાથે શેર કરશે દિલચસ્પ કિસ્સાઓ