Parliament Monsoon Session 2026: સંસદના ચોમાસુ સત્રનો ત્રીજો સપ્તાહ સોમવાર (આજે) થી શરૂ થઈ રહ્યો છે. સત્રના પ્રથમ બે અઠવાડિયામાં લોકસભા અને રાજ્યસભા બંનેમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો, જેના કારણે મોટાભાગની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી અને મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ શકી નહોતી.
બીજા અઠવાડિયામાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યા બાદ રાજકીય પરિસ્થિતિમાં ફેરફાર જોવા મળ્યો હતો. કોંગ્રેસે વિરોધ ચાલુ રાખ્યો હતો, પરંતુ અન્ય કેટલાક વિપક્ષી પક્ષોએ સરકારનો વિરોધ કરવાની જગ્યાએ અલગ વલણ અપનાવ્યું હતું. આ દરમિયાન સરકારે હોબાળા વચ્ચે પેપર લીક વિરોધી બિલ અને વંદે માતરમ બિલ સહિતના મહત્વપૂર્ણ કાયદાકીય પ્રસ્તાવો પસાર કરવામાં સફળતા મેળવી હતી.
શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ સંસદની કાર્યવાહી સામાન્ય બનવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ ગતિરોધ યથાવત રહ્યો. હવે કોંગ્રેસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે સરકારને ઘેરવાની તૈયારીમાં છે. જોકે, આ મુદ્દે અન્ય વિપક્ષી પક્ષો કોંગ્રેસ સાથે સંપૂર્ણપણે એકમત હોવાનું હજુ સુધી જોવા મળતું નથી.
રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (FCRA) સંબંધિત બિલ પણ આગામી દિવસોમાં સંસદમાં વિવાદનું કારણ બની શકે છે. વિપક્ષ પેપર લીક બિલ પર ચર્ચા માટે તૈયાર થયો હતો, પરંતુ અન્ય મહત્વપૂર્ણ કાયદાકીય કાર્ય સરળતાથી આગળ વધે તેવો તેનો મૂડ દેખાતો નથી.
કોંગ્રેસે રામ મંદિર દાન કૌભાંડનો મુદ્દો પણ ઉઠાવ્યો છે અને આ મામલે વડાપ્રધાન તથા ગૃહમંત્રી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસ કરવાની માંગ કરી છે. કોંગ્રેસે સંકેત આપ્યો છે કે આ મુદ્દો સોમવારથી સંસદમાં જોરશોરથી ઉઠાવવામાં આવશે.
બીજી તરફ, સરકાર સંસદનો સમય બગડે નહીં તે માટે કટિબદ્ધ હોવાનું જણાવી રહી છે. સરકારના એજન્ડામાં MSME બિલ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવા સંબંધિત બિલ સહિત અનેક મહત્વપૂર્ણ કાયદાકીય પ્રસ્તાવો સામેલ છે. સરકારનું કહેવું છે કે વિપક્ષના વિરોધ વચ્ચે પણ જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.
આ પરિસ્થિતિને જોતા સંસદના ત્રીજા સપ્તાહમાં ફરી એકવાર સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર રાજકીય ટકરાવ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સંસદમાં સત્રના બીજા દિવસે અદાણી મુદ્દે લોકસભામાં હંગામો : રાહુલે કહ્યું- જેલમાં હોવો જોઈએ
આ પણ વાંચો: Parliament Monsoon Session: રાજ્યસભામાં પેપર લીક વિરોધી બિલ રજૂ, વિપક્ષના હોબાળા વચ્ચે 7 કલાક ચર્ચા
