Not Set/ થોભો, વિરોધનો સુર ભલે બુલંદ બને, પણ જાનલેવા ના બને તે પણ વિચારો…

લોકશાહી તે લોકો થકી, લોકો દ્વારા અને લોકો વડે ચાલતી એક શાસન વ્યવસ્થા છે. અને ભારત સમગ્ર દુનિયામાં એક ચુસ્ત, તંદુરસ્ત લોકશાહી શાસન પ્રણાલી વિકસાવી ચૂકેલ દેશ છે. અહી લોકોનો અવાજ વધુ ઘેરો અને બુલંદ છે. અહી લઘુમતીઓ બહુમતીનો વિરોધ કરી શકે છે. સરકાર સામે પણ બાયો ચડાવી શકે છે. અને હાલની ઘટનાઓ જોયા પછી […]

Top Stories

લોકશાહી તે લોકો થકી, લોકો દ્વારા અને લોકો વડે ચાલતી એક શાસન વ્યવસ્થા છે. અને ભારત સમગ્ર દુનિયામાં એક ચુસ્ત, તંદુરસ્ત લોકશાહી શાસન પ્રણાલી વિકસાવી ચૂકેલ દેશ છે. અહી લોકોનો અવાજ વધુ ઘેરો અને બુલંદ છે. અહી લઘુમતીઓ બહુમતીનો વિરોધ કરી શકે છે. સરકાર સામે પણ બાયો ચડાવી શકે છે. અને હાલની ઘટનાઓ જોયા પછી કહી શકાય કે, તેનાથી પણ એક કદમ આગળ, બિન્દાસ્ત ગુનાહિત પ્રવૃતિમાં પણ સામેલ થાય છે. કહેવાનો મતલબ કે , ભારતમાં લોકશાહી તેની બુલંદીઓ પર છે. તેને નકારી શકાય નહિ. લોકોનો અવાજ આસમાની ઉંચાઈઓને આંબે છે. પરંતુ ઘણીવાર તેવું બને છે કે, વધુ પડતી સ્વતંત્રતા સ્વચ્છદતા બની જાય છે. અને પછી વરવું રાક્ષસી સ્વરૂપ પણ ધારણ કરે છે. જે સરકારને , લોકોને અને દેશની સંપતિને નુકસાન પહોચાડે છે.

જી, હા અહી આ ચર્ચા કરવાનો બહુ સીધો આશય છે, હમણાં જ રજુ થયેલ નાગરિક સંશોધન કાયદો અને આ કાયદાનો થયેલો હિંસક અને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાનકરાક વિરોધ છે. અહી આપણે અત્યારે આ કાયદાની છણાવટ નથી કરી રહ્યા. કેમ કે એ તો બહુ જ દિવસ ઓલરેડી ચાલી જ રહી છે. પરંતુ આ કાયદાના વિરોધમાં દેશમાં લોકોએ તેમને મળેલ આઝાદીનો દુરુપયોગ કરી પબ્લિક પ્રોપર્ટીને કરેલ કરોડો રૂપિયાનું નુકસાનની વાત અહીં છે. લોકોએ ગુમાવેલ તેમના પોતાનાઓના જીવની વાત છે.

જી, હા નાગરિકતા સંશોધન કાનૂન ના વિરોધની શરૂઆત દેશમાં પૂર્વોત્તર રાજ્યોમાંથી થઇ હતી. ત્યારબાદના તબક્કામાં તે દિલ્હી, , અલીગઢ, મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર,લખનઉ અને પટના સુધી આ વિરોધની આગ ભભૂકી હતી.જેમાં ખાસ તો દિલ્હીમાં જામિયા મીલીયા યુનિવર્સીટી માં પોલીસ અને વિધાર્થીઓ વચ્ચે ભારે સંઘર્ષ થયો હતો. અને આ યુનિ. ના વિદ્યાર્થીઓનો આરોપ હતો કે, પોલીસે આ દરમ્યાન તેમની સાથે બર્બરતા આચરી હતી. પોલીસ જામિયા મીલીયા પરિસર માં જબરદસ્તી ઘુસી આવી અને વિધાર્થીઓ સાથે મારપીટ કરી હતી. તો સામે છેડે પોલીસની દલીલ તેવી હતી કે, કેટલાક તોફાની તત્વોને ખદેડતા ખદેડતા તેઓ મજબૂરીવશ પરિસરમાં ઘુસ્યા હતા . તેમજ આ વિધાર્થીઓએ તેમની પર હુમલો કર્યો હતો અને સરકારી સંપતિને નુકસાન કર્યું હતું.

ત્યારે આ આરોપ-પ્રત્યારોપ બાદ સમગ્ર દેશના વિધાર્થી યુનિયનો પણ સડક પર ઉતર્યા હતા. અને સમગ્ર દેશમાં અસુરક્ષાનો માહોલ છવાયો હતો. જેને પગલે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશે પણ કહેવું પડ્યું હતું કે, આ મામલે જ્યુડીસરી ત્યારે જ કૈક કરી શકે છે કે જયારે હિંસા, આગજની અને સરકારી સંપતિને નુકસાન પહોચાડવાની ગતિવિધિઓ બંદ થાય.

ત્યારે વિશેષમાં ઉલ્લેખનીય છે કે, આ દરમ્યાન સૌથી વધારે તો ઉત્તર પ્રદેશ માં લોકોના જીવ ગયા છે. કે લોકોએ ગુમાવ્યા છે. ૧૬ જેટલા લોકોના આ વિરોધ પ્રદર્શન દરમ્યાન જીવ ગયા છે. અને કરોડોની સરકારી સંપતિને નુકસાન થયું છે. ખેર નુકસાન તો ભરપાઈ થઇ શકશે પરંતુ, જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના પરિજનો નું શું? માની લેવામાં આવે કે, આ માટે તમે પોલીસને જવાબદાર માનવામાં આવે પરંતું તે ના ભુલાવવું જોઈએ કે, લોકો જયારે ટોળામાં હોય અને ટોળાને બુદ્ધિ ના જ હોય. આક્રોશની ચરમસીમા પર પહોચેલ ટોળું વિવેકબુદ્ધિ ગુમાવી ચૂકેલ હોય છે.

અને આ ટોળું જયારે પોલીસ પર હુમલો કરે ત્યારે પોલીસ કરે તો પણ શું કરે? અમદાવાદમાં પણ પોલીસ પર ષડ્યન્ત્ર રચી હુમલો કરાયો હતો. ત્યારે જોવામાં આવે છે કે, કાશ્મીર હોય કે ભૂતકાળના સિલસિલાબંધ ધાર્મિક કે ગેરધાર્મિક તોફાનો હોય પરંતુ સૌથી પહેલા તેમાં હોમાંવવાનું તો પોલીસે જ આવે છે. પોલીસ પણ આખરે માણસ હોય છે. અને જયારે આખું ટોળું તેમની પર હુમલો કરે ત્યારે ટોળાનું હિંસક સ્વરૂપ જોતા તેમની પાસે કોઈ ઓપ્સન પણ બચતો નથી. અને તેઓ નાછૂટકે છેલ્લા ઓપ્સન તરીકે ગોળીબારી કરે છે.

તેથી તમે સરકારને કે પોલીસને દોષ આપો તે પહેલા સ્થિતિ પણ જોવી જોઈએ. કાશ્મીરમાં પત્થરબાઝો ને રોકતા સીઆરપીએફના જવાનો ની સ્થિતિમાં પોતાની જાતને એકવાર મુકીને જોજો ત્યારે ખ્યાલ આવશે કે આ કામ કેટલું દોહ્યલુ હોય છે. ખરેખર તો જયારે જયારે તોફાનોની આગ જ્વાળા માં ફેરવાય છે ત્યારે તે એક હિંસક સ્વરૂપ જ ધરી બેસે છે. ચાહે કાશ્મીર હોય કે, ચાહે ૧૯૬૬ ના ગૌ હત્યા પ્રતીબંદના તોફાનો હોય કે, બાબરી ધ્વંસ કે, ગોધરા કાંડ કે પછી પાટીદાર અનામત આંદોલન હોય પરંતુ ટોળાશાહી આ સ્વરૂપ ધારણ કરે જ છે.

અને પોલીસને અને સરકારી સંપતિને નુકસાન પહોચાડવું તે આ ટોળની ફિતરત બની ચુકી છે. હા, વાતમાં દમ છે કે, લોકોને સરકારનું કોઈ પગલું અયોગ્ય લાગે તો તેનો વિરોધ કરવા તેઓ રોડ-રસ્તા પર ઉતરી શકે, સરકારને આવેદન પત્ર આપી શકે અને સૂત્રોચ્ચાર પણ કરી શકે. જેમાં બેમત ના હોઈ શકે. લોકશાહીમાં લોકોના અવાજનું દમન કોઇપણ ભોગે ના થવું જોઈએ. લોકશાહીમાં લોકોને પોતાનો અવાજ રજુ કરવાનો સંવેધાનિક અધિકાર છે. પરંતુ પોતાનો અવાજ તેવો પણ બુલંદ ના બનવો જોઈએ કે જેમાં આપણા જ લોકોના જીવ આપણા દ્વારા જ જાય.

આ મામલે તે બાબત પણ ઉલ્લેખનીય છે કે, યુપી સરકાર દ્વારા તોફાનીઓને નુકસાનની ભરપાઇ કરવાની પણ નોટીશ આપી દેવામાં આવી છે. આ તમામ પથ્થરબાજોને પથ્થર ફેંકતા સમયે લગીરે ખયાલ નહીં હોય કે, સરકાર તેમને ઓળખી પણ કાઢશે અને નુકસાનીની ચુકવણી કરવાની લાખોની નોટીશો પણ ફટકારશે. લોકશાહી આપને હક્ક આપે છે તો સાથે સાથે જવાબદારીઓ પણ આપે જ છે. તે કોઇએ પણ ભૂલવું જોઇએ નહીં.

વિરોધના આ પ્રકારથી જાન-માલનું તો નુકસાન થાય છે. પરંતુ, રોજીંદા કામો પર પણ તેની અસર થાય છે. અને તેનું સૌથી મોટું નુકસાન રોજ કમાઈ રોજ ખાનારા લોકો પર થાય છે. અને જે નુકસાન થાય છે તેનો બોઝ પણ ફરી ફરીને પણ આપણા પર જ આવે. વળી આવા ખાસ હિંસક મામલાઓમાં હિંસાની તસ્વીરોની સાંપ્રદાયિક ઉપયોગ બહુ આસન હોય છે. ત્યારે તે સમજવું જ રહ્યું કે, આ કાયદો સંસદમાં પસાર થયો છે. જેની પાછળ સરકારનું પોતાનું એક લોજીક હોય છે. અને તેની સામે લોકો અસહમત પણ હોઈ શકે. પરંતુ લોકોએ જાનલેવા બનતા પહેલા વિચારવું જ પડશે. ત્યારે થોભો…વિરોધનો સુર ભલે બુલંદ બને પણ જાનલેવા ના બને તે પણ વિચારો…

@પત્રકાર – કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી……..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.