પ્રાદેશિક પક્ષો માટે હાલમાં બધી રીતે માઠા દિવસો ચાલી રહ્યા લાગે છે. થોડા સમય પહેલા સમાજવાદી પાર્ટી (સપા)ના સ્થાપક મુલાયમસિંહે અંતિમ શ્વાસ લીધા હતા. હવે મહારાષ્ટ્રમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સ્થાપક તથા ભૂતપૂર્વ કોંગ્રેસી શરદ પવારની તબિયત બગડી છે. તેમને રાજધાની મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અહેવાલ છે કે આ અઠવાડિયે જ તેમને રજા આપવામાં આવશે. તેઓ આગામી નવેમ્બરમાં યોજાનાર પાર્ટીના કાર્યક્રમોમાં ભાગ લેતા રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કોંગ્રેસની ‘ભારત જોડો’ યાત્રામાં પણ સામેલ થવાના છે. એનસીપીએ માહિતી આપી છે કે પવારની તબિયત ખરાબ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાર્ટીએ કહ્યું છે કે તેમને 2 નવેમ્બર સુધીમાં રજા આપવામાં આવી શકે છે. તેમજ 4-5 નવેમ્બરે શિરડીમાં યોજાનાર શિબિરમાં વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. ખાસ વાત એ છે કે 81 વર્ષીય રાજનીતિમાં સતત સક્રિય રહ્યા છે.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા 8 નવેમ્બરે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. એવા અહેવાલ છે કે પદયાત્રીઓ રાજ્યમાં તેમની યાત્રા નાંદેડ થઈને શરૂ કરશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોળેનું કહેવું છે કે પવારે યાત્રામાં સામેલ થવાનું આમંત્રણ સ્વીકારી લીધું છે.
પટોળેએ જણાવ્યું હતું કે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જો કે, તેમના તરફથી હજુ સુધી તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે યાત્રાના ભાગરૂપે રાહુલ નાંદેડ અને શેગાંવમાં રેલીઓને સંબોધિત કરશે.
