Ahmedabad News : અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે નિકોલ-કઠવાડા રોડ પર આવેલા મધુમાલતી આવાસ યોજનામાં 24 કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી. ભારે વરસાદમાં લોકોનાં ઘરમાં પાણી જતાં રહે છે, જેના કારણે સ્થાનિકો હેરાનપરેશાન થાય છે. નિકોલ મધુમાલતી આવાસ યોજનાનાં મકાનોમાં ભરાયેલાં પાણીને લઈ આજે દસ્ક્રોઈ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બાબુદાસ જમનાદાસ પટેલ, વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયા અને સ્થાનિક નિકોલ વોર્ડના કોર્પોરેટરો ત્યાં પહોંચ્યા હતા. ત્યારે સ્થાનિકોએ તેમને બરાબરના ખખડાવ્યા હતા. નેતાઓએ રેન બસેરામાં રહેવાની અને ફૂડ પેકેટ મળી જશે એવું કહેતાં જ લોકોમાં રોષ ભરાયેલા લોકોએ તમારે અન્ય જગ્યાએ મકાનો ફાળવવા હોય તો ફાળવો, નહિતર બે હાથ જોડીને જય માતાજી કહી દીધું હતું. જેથી નેતાઓએ ચાલતી પકડી હતી.
નિકોલ ખાતે આવેલા મધુમાલતી આવાસની યોજનામાં વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કે આયોજન માટે કોર્પોરેટરોએ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ ધ્યાન આપ્યું નથી. આજે જ્યારે દસ્ક્રોઇના ભાજપના ધારાસભ્ય બાબુદાસ જમનાદાસ પટેલ સ્થાનિક કોર્પોરેટરો અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયા સાથે મધુમાલતી આવાસ યોજનાની મુલાકાતે ગયા હતા. એ સમયે સ્થાનિકોએ વ્યથા ઠાલવતાં કહ્યું હતું કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. અમે કેટલી તકલીફમાં છીએ એની તમને ખબર નથી. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી જો હજી પણ વરસાદ પડશે તો આ જ પરિસ્થિતિ સર્જાશે, જેથી અમને અન્યત્ર જગ્યાએ રહેવા માટે મકાન ફાળવી આપો. ત્યારે વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ કહ્યું હતું કે હું આટલાં બધાં મકાન ક્યાંથી આપું. તમને રેન બસેરામાં રહેવાની વ્યવસ્થા કરી આપું છું અને ખાવાનું મળી જશે. ફૂડ પેકેટની વ્યવસ્થા કરી આપીશું એમ કહેતા નાગરિકો રોષે ભરાયા હતા.
વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ સ્થાનિકોને સમજાવ્યા હતા કે, વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાની છે અને દિવાળી કે આવતા વર્ષ સુધીમાં પાણીની પાઇપલાઇન નંખાઈ જશે અને તમને કોઈ તકલીફ પડશે નહીં, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ હતો કે જ્યાં સુધી વરસાદ પડશે ત્યાં સુધી આ જ સમસ્યા રહેશે તો અમે કેવી રીતે રહીશું. સ્થાનિકો તેમના ઉપર રોષ ઠાલવતાં કહ્યું કે, અમે તમને અહીં પાણીના નિકાલની વ્યવસ્થા થાય તેના માટે બોલાવ્યા છે. અમારે મકાનો જોઈએ છે. અમારે કોઈ રેન બસેરામાં રહેવા માટે જવું નથી કે જમવાનું જોઈતું નથી. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના વિસ્તારમાં પણ પાણી ભરાયેલા હોવાને લઈને જ્યારે રજૂઆત કરી તો નેતાઓએ કહ્યું હતું કે, એ મારો વિષય નથી હું જે રહીશો છે તેના માટે વ્યવસ્થા કરી આપીશ.
સ્થાનિક લોકો તેમની રજૂઆત કરતા હતા ત્યારે વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરીયાએ આ ઔડા મકાન બન્યા ત્યારથી કેટલા લોકો મકાન માલિક છે? ભાડુઆત છે? અને તે વિષય ઉપર ચર્ચા કરતા સ્થાનિક લોકો વધારે રોષે ભરાયા હતા કે, અત્યારે તમને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કેવી રીતે કરવી તેના માટે બોલાવ્યા છે, તેની જગ્યાએ તમે મકાન માલિક અને ભાડુઆત વિશે વાત કરો તે યોગ્ય નથી. તમે અમારી વેદના તમે સમજતા નથી અમે મરીએ એટલું જ બાકી રહ્યું છે. રેનબસેરામાં અમારે રહેવું નથી. તમે અહીં ફોટો પડાવવા માટે આવ્યા છો.
સ્થાનિક ધારાસભ્યથી લઈને કોર્પોરેટરો અને વોટર સપ્લાય કમિટીના ચેરમેનને સ્થાનિક લોકોને કહ્યું હતું કે, અમે તમને સાંભળવા માટે જ આવ્યા છીએ અને તેમના વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાની છે. આવતા ચોમાસા સુધીમાં કામગીરી પૂર્ણ થઇ જશે. સર્વે કરવાનું કહી દીધું છે. તમામ સમસ્યાનો નિકાલ આવી જશે.
આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર
આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી
આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી
