આજનાં વ્યસ્ત જીવનમાં તમે તમારા સ્વજનને પણ ખાસ સમય આપી શકતા નથી, પરંતુ હા એક ચીજ છે જેને તમે હંમેશા પોતની સાથે જ રાખો છો, જે મોબાઈલ છે. આજે દરેક વ્યક્તિ પાસે મોબાઇલ છે. કહેવાય છે કે મોબાઇલનો ઉદ્દેશ દૂરનાં માણસ સાથે વાત કરવાનો હતો પરંતુ આજે તે માત્ર એક ગેમ રમવાનું સાધન બની ગયુ છે. ખાસ કરીને બાળકો મોબાઇલમાં ગેમ રમતા વધુ જોવા મળે છે. જેને લઇને હવે માતા-પિતાએ ચિંતા કરવાની જરૂર છે.
મોબાઇલ માટે ઘણા લોકોનું માનવુ છે કે તેનો સદઉપયોગ કરવામાં આવે ત્યા સુધી તે ઉપયોગી છે પરંતુ જ્યારે તેને ગેમ રમવાનું સાધન બનાવી દેવામાં આવે ત્યારે તે વધુ ખતરનાક સાબિત જાય છે. આ વાત ખાસ કરીને બાળકો પર લાગુ પડે છે. ઘણીવાર જોવા મળ્યુ છે કે માતા-પિતા કામમાં હોવાના કારણે બાળકને પૂરતો સમય આપી શકતા નથી અને બાળકનાં મનોરંજન માટે અથવા પોતાના કામને જોવા માટે તેને મોબાઇલ આપી દેતા હોય છે. જેના કારણે ઘણીવાર એક એવો સમય આવી જાય છે કે તે બાળકને મોબાઇલમાં ગેમ રમવાનું એડિક્શન થઇ જાય છે. જેની સીધી અસર તેના દિમાગ પર પડતી જોવા મળે છે. જેને લઇને ક્યારેક એવો સમય પણ આવી જાય છે કે બાળકને મોબાઇલ રમવાની ના પડાતા તે ચિડાઇ જાય છે અને એવુ પગલુ ભરી દે છે જેની કલ્પના ન કરી શકાય. બાળકને તંદુરસ્ત રાખવા મોબાઇલથી દૂર રાખવો જરૂરી છે. જેની સંપૂર્ણ જવાબદારી માતા-પિતાની જ છે.
બાળકને મોબાઈલથી દૂર રાખવા શું કરશો
બાળકને આજે સૌથી વધુ મોબાઈલમાં ગેમ રમતા તમે જોઇ શકશો. પહેલાનાં સમયમાં જોવામાં આવતુ હતુ કે, તે સમયે બાળકોને બહારની રમત જેવી કે ક્રિકેટ, કબડ્ડી, ખોખો, લખૌટી, ભમરડો, દૌડ પકડ પસંદ હતી પરંતુ આજે તે રમતો બાળકો મોબાઈલમાં રમતા જોવા મળે છે. જે એક ગંભીર બાબત છે. બાળકને મોબાઈલથી દૂર કરવો હોય તો સૌથી પહેલા માં-બાપ બાળકને પૂરતો સમય આપે, તેની સાથે બહાર રમી શકાય તેવી કોઇ રમત રમે, તેને બહાર ફરવા લઇને જાય. જો આટલુ કરવા માત્રથી તમે તમારા બાળકને મોબાઈલ એડિક્શનથી બચાવવામાં સફળ બની શકો છો. જો કે જરૂરી છે કે બાળકને આ આદત પડે તે પહેલા જ માં-બાપ સચેત રહે અને બાળકને મોબાઈલ આપવાનું ટાળે.
