અમદાવાદ,
દેશભરમાં લોકસભાની ચૂંટણીની 23 મેના રોજ મતગણતરી હાથ ધરાશે.રાજ્યમાં પણ મતગણતરીને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.અમદાવાદની વાત કરીએ તો શહેરમાં મતગણતરીને લઇને આખરી ઓપ અપાઇ ગયો છે. મતગણતરી માટે મોડલ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યા અધિકારીઓ અને મદદનીશ અધિકારીઓને તાલિમ આપવાનું શરૂ થઈ ગયું છે.
આ મતગણતરી કેન્દ્ર ખાતે કાયદો અને વ્યવસ્થા, સી.સી.ટી.વી. કેમેરા, જરુરી સુચનાઓ સાથેના સાઇન બોર્ડ, સુવિધાઓ, પારદર્શિતા સાથે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસારની તમામ વ્યવસ્થા ગુજરાત કોલેજ ખાતે કરવામાં આવી છે.આ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્યના તમામ જિલ્લાઓના મતગણતરી કેન્દ્રો પર કરવામાં આવશે. ગુજરાત કોલેજ ખાતે અમદાવાદ પશ્ચિમ બેઠક તથા એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજમાં અમદાવાદ પૂર્વની મતગણતરી યોજાશે.
અમદાવાદમાં મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી કૃષ્ણન અને જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડે મોડલ સેન્ટરનું પણ નિરીક્ષણ કર્યું હતું.મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું કે આ આદર્શ મતગણતરી કેન્દ્રની રાજ્યના તમામ રિટર્નિંગ ઑફિસર સહિતના અધિકારીઓ મુલાકાત લેશે અને પોતાના જિલ્લાઓના મતગણતરી કેન્દ્રો પર સમાન પ્રકારની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરશે.23 મે ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2019ની મતગણતરી યોજાવા જઈ રહી છે ત્યારે મતગણતરી કેન્દ્રની સજ્જતા અગત્યનું પાસું છે.
મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી કૃષ્ણનના કહેવા પ્રમાણે રાજ્યમા 182 મદદનીશ અધિકારી અને પોસ્ટલ બેલેટ માટે ચાર લોકો ગોઠવવામા આવશે. વીવીપીએટ ગણતરી માટે અલગથી બુથ બનાવવામાં આવ્યું છે.મતગણતરી વ્યવસ્થિત રીતે થાય તે માટે અધિકારીઓને તાલિમ આપવામાં આવી છે.
