રવિવારની સાંજ મોરબી માટે ગોઝારી સાબિત થઈ હતી. મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા 500 જેટલા લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનાને પગલે તુરુંત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ બધા વચ્ચે હાલ સમાચાર સામે આવ્યા છે કે આવતીકાલે એટલે કે મંગળવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકત લેશે અને ત્યાં પીડિત પરિવારજનોને મળશે.

ઝૂલતો પુલ તૂટતાં અનેક લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા. પુલ તૂટવા અંગેની વાત વાયુવેગે પ્રસરી ગઈ.આસપાસથી લોકો નદીમાં પડેલા લોકોને બચાવવા માટે દોડી આવ્યા. ફાયર વિભાગની ટીમ પણ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી અને સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી.
જે પુલ ધરાશાયી થયો તેનું નિર્માણ વર્ષો પહેલાં કરવામાં આવ્યું હતું.દરબારગઢથી નઝરબાગને જોડતા આ પુલનું નિર્માણ મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે કરાવડાવ્યું હતું. એ સમયે યુરોપમાં સૌથી આધુનિક તકનીકથી આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને પુલના નિર્માણ માટેનો સામાન ઈંગ્લેન્ડથી મંગાવવામાં આવ્યો હતો. તે સમયે આશરે સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ પુલની લંબાઈ 765 ફૂટ છે. 4.6 ફૂટની પહોળાઈ ધરાવે છે.1887માં આ પુલનું નિર્માણ થયું, ત્યારે તેની જમીનથી સાઠ ફૂટ ઊંચાઈ હતી. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે.
નિર્માણ બાદ પુલનું સમયાંતરે સમારકામ પણ થતું રહ્યું છે. તાજેતરમાં જ છેલ્લા સાતેક મહિનાથી પુલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેથી 7 મહિનાથી પુલ પર અવરજવર બંધ હતી..અને દિવાળી બાદ નવા વર્ષના દિવસે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ સમારકામ પાછળ 2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. 6 દિવસમાં જ પુલ તૂટી પડતાં અનેક સવાલો થઈ રહ્યા છે.
આ હોનારતમાં અપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોરબી બી ડિવિઝન પોલીસે ખોટા ઇરાદા સાથે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કર્યો છે. કલમ 304, 308, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝૂલના પુલના મેનેજમેન્ટના મેનેજર, મેઇન્ટનેસ ટીમના મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે.
આ પણ વાંચો:રાહુલ ગાંધીના એક ટ્વીટથી રાજસ્થાનનો રાજકીય પારો ઊંચકાયો, CM ગેહલોતનું નામ લીધા વિના આપ્યો કડક સંદેશ
આ પણ વાંચો:મોરબી હોનારતઃ કેટલાય અનાથ બન્યા તો ઘણાના કુટુંબના તારલા ખરી પડ્યા
આ પણ વાંચો:મોરબી, દુર્ઘટના, ‘વિકાસનો વેપાર’….!!!
