ગરીબો માટે કોઈ યોજના શરૂ થતી નથી કે તેને લૂંટનારાઓની લાઇન લાગી જતી નથી. તેના લીધે જ અનેક સારા ઇરાદા છતાં પણ સરકારની સારામાં સારી યોજનાઓ ક્યાં તો યોગ્ય અમલીકરણના લીધે, ક્યાં તો ભ્રષ્ટાચારના લીધે નિષ્ફળ જાય છે. ભ્રષ્ટાચારને ભોગ ચઢેલી આવી જ એક વધુ સરકારી યોજના છે પીએમ આવાસ યોજના.
પીએમ આવાસ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત દરે મકાન મળે તે માટેની યોજના છે, પરંતુ ભ્રષ્ટાચારના ભોરિંગે આ યોજનાને પણ બાકી છોડી નથી. આ વખતના ભ્રષ્ટાચારમાં રાહત લેવા જેટલી વાત એ છે કે હજી સુધીમાં તેમા કોઈ સરકારી અધિકારીના મિલીભગતની વાત સામે આવી નથી. બે ગઠિયાઓએ રીતસરની પીએમ આવાસ યોજનાને લઈને છેતરપિંડી આચરી હતી.

અમદાવાદમાં ગોતા વિસ્તારમાં પીએમ આવાસ યોજના હેઠળ અનેક મકાન બનેલા છે. આ બનેલા મકાનોને જોઈને ગઠિયાઓએ અનોખી મોડસ ઓપરેન્ડી અજમાવી હતી. તેઓએ 50 હજાર રૂપિયા લઈને લોકોને બનાવટી પઝેશન લેટર આપી દીધા હતા. આવી છેતરપિંડી તેઓએ અનેક લોકો સાથે આચરી છે. આ બતાવે છે કે સરકારી યોજના મુજબ એક વખત કામ થઈ જા છે, પણ તેના હેઠળ તૈયાર થયેલા પ્રોજેક્ટનું કોઈ ધણીધોરી હોતું નથી તેથી તો આવા તત્વો ફાવી જાય છે.
આ અંગે હોબાળો મચતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. તેણે 21 બનાવટી પઝેશન લેટર પણ જપ્ત કર્યા છે અને આ મામલે સોલા પોલીસે ગુનો પણ નોંધ્યો છે. પોલીસનું માનવું છે કે આ પ્રકારનું કૌભાંડ હજી પ્રારંભના તબક્કે મળતી વિગતો મુજબ તો પાશેરામાં પહેલી પુણી જ લાગે છે. આગામી દિવસોમાં આ કૌભાંડ મોટું નીકળે અથવા તો તેમા મોટા ફણગા ફૂટશે તો આશ્ચર્ય પામવા જેવું નથી. આમ પોલીસને પણ આમા દાળમાં કંઇક કાળું નહીં પણ આખી દાળ જ કાળી દેખાઈ રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તરપશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતામાં ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા અમિત ઠાકોરે સોલા પોલીસ મથકે આ કૌભાંડની ફરિયાદ નોંધાવી છે. તેમણે નોંધાવેલી વિગતો એવી છે કે ગોતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાજના આર્થિક રીતે નબળા લોકો માટેની યોજનામાં ફ્લેટ બનાવવામાં આવ્યા છે. તેમા 1736 મકાન પૈકી 1,372 મકાનના પઝેશન લેટર ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. તેમા હજી પણ 364 મકાનોની ફાળવણી કરવાની બાકી છે
હવે આ યોજનામાં મકાનોના જે પઝેશન લેટર આપવામા આવ્યા છે તેમા કેટલાય લોકોને બનાવટી પઝેશન લેટર આપવામાં આવ્યા છે. કોર્પોરેશનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને માહિતી મળી હતી કે ઘાટલોડિયામાં આવેલી ગિરિરાજ સોસાયટીમાં કિશનલાલ ધનરાજ લોહારને પીએમ આવાસ યોજનામાં ફ્લેટ આપવાનો બોગસ સહીવાળો પઝેશન લેટર જારી કરવામાં આવ્યો છે. તેના આધારે તેમને મકાનની ચાવી પણ મળી ગઈ હતી. આના પગલે તેઓ ચોંકી ઉઠયા હતા. તેમણે તપાસ કરતાં આ પઝેશન લેટર સાચે જ બનાવટી નીકળ્યો હતો.

આના પગલે તેમણે પીએમ આવાસ યોજનાના બધા મકાનોના પઝેશન લેટરની તપાસ આદરી હતી. તેમા બીજા 21થી પણ વધુ પઝેશન લેટર જારી કરવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. આ બોગસ પઝેશન લેટર રજૂ કરીને પીએમ આવાસ યોજનાના મકાનની ચાવી પણ મેળવી લેવાઈ હતી. તેના આધારે તેમા કેટલાક કુટુંબો રહેવા પણ આવી ગયા હતા.
તેના પગલે જે લોકો પાસે બોગસ પઝેશન હતા તેની તપાસ કરાઈ હતી. તેઓની પૂછપરછ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેમને સૈયદ અને વિપુલ નામની બે વ્યક્તિઓએ પીએમ આવાસ યોજનાના અધિકારી તરીકેની ઓળખ આપી હતી અને તેમની પાસે આ મકાનોની ફાળવણી સત્તા હોવાનું જણાવ્યું હતું. આ માટે તેમણે પઝેશન લેટર પેટે 50 હજાર રૂપિયા માંગ્યા હતા.
સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન ભુકાણે જણાવ્યું હતું કે ગઠિયા વિપુલનું કામ ગ્રાહકોને શોધવાનું હતું અને કોઈ ગ્રાહક જો સસ્તા મકાનની લાલચમાં ભરાયો તો પછી તે ગ્રાહકની સૈયદ પાસે મુલાકાત કરાવીને તેને બનાવટી પઝેશન લેટર અપાવતો હતો અને રૂપિયા ખંખેરી લેતો હતો.

હવે આ બંને તો ગઠિયા હતા, પોલીસનું પૂરેપૂરુ માનવું છે કે આ કેસમાં મોટું કૌભાંડ હોઈ શકે છે. આશ્ચર્યની વાત એ છે કે પીએમ આવાસ યોજનાના આ પ્રકારના બોગસ લેટર કોઈ કઈ રીતે જારી કરી જાય. શું આ યોજના ફૂલપ્રુફ નથી. આ યોજનાનું સંચાલન કરતાં અધિકારીઓ એવી તે કયા પ્રકારની દેખરેખ રાખે છે કે આવા ગઠિયાએ આ રીતે ફક્ત એક સહીવાળો કાગળ પધરાવીને લોકોને આખુ મકાન અપાવી દે. આશ્ચર્યની વાત તો એ હતી કે પઝેશન લેટર તો બનાવટી ગમે તે રીતે બનાવી દીધો, પરંતુ આ ગઠિયાઓને સરકારી મકાનની ચાવી કોણે આપી.

સરકારી મકાનોની ચાવી આ ગઠિયા પાસે ક્યાંથી આવી, આ ગઠિયાઓએ એવી તે શું કરામત કરી કે સરકારી મકાનોની ચાવી મેળવી. તેણે આપેલી ચાવી વાસ્તવમાં ઓરિજિનલ ચાવી છે કે તેમાં પણ તેણે કોઇકની સાથે મિલીભગત કરી બનાવટી ચાવી મેળવી છે. સ્વાભાવિક રીતે કોઈ પઝેશન લેટરની સાથે ચાવી આપે એટલે ભલભલાને તેમા વિશ્વાસ આવી જાય, હવે ગઠિયાઓની ચાવી વડે નિંદ્રામાંથી જાગેલું તંત્ર કયા-કયા કૌભાંડોના તાળા ખોલે છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?
આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો
આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત
