Gandhinagar News: ગાંધીનગરમાં ચેલેન્જ અને રાજીનામાનું રાજકારણ શરૂ થઈ ગયું છે. કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને મોરબીમાં તેની સામે ઉતરવા ચેલેન્જ ફેંકી હતી અને ગોપાલ ઇટાલિયાએ તેને સ્વીકારી હતી અને સામે શરત મૂકી હતી કે જો કાંતિ અમૃતિયામાં હિંમત હોય તો તે પહેલા રાજીનામુ આપે તો હું તેમની સામે લડવા તૈયાર છું.
કાંતિ અમૃતિયાએ પણ વટ પર આવી જતાં ચેલેન્જના આ રાજકારણને સ્વીકાર્યુ હતુ અને તેમના સમર્થકો સાથે ગાંધીનગર રાજીનામુ આપવા પહોંચી ગયા હતા. તેની સાથે તેમણે રટ પકડી હતી કે હું રાજીનામુ આપવા તૈયાર છું, પરંતુ આ રાજીનામુ ગોપાલ ઇટાલિયાની હાજરીમાં જ આપીશ, જેથી તે પાછળથી પાછા આક્ષેપ ન કરે કે હું કાંઇક નાટક કરી ગયો. તેથી હું તેમને આવી કોઈ તક આપવા માંગતો નથી. હું ગાંધીનગરમાં બેઠો છું અને રાજીનામુ આપવા તૈયાર છું. હવે ગોપાલ ઇટાલિયા આવે.
તેમણે જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા આજે ન આવે તો કંઈ નહીં, તે જ્યારે આવે ત્યારે હું રાજીનામુ આપવા તૈયાર છું. આમ ગુજરાતમાં ચેલેન્જ અને રાજીનામાના રાજકારણનો ગરમાવો આવતા ઠંડુ પડેલું રાજકારણ ગરમાટો પકડી રહ્યુ છે. કાંતિ અમૃતિયાએ બેથી ત્રણ કલાક સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ હતી, પરંતુ ગોપાલ ઇટાલિયા ન આવતા તે રવાના થયા હતા. તેમણે જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા કહે ત્યાં હું રાજીનામુ આપવા તૈયાર છું. હું ગાંધીનગર તો આવી ગયો, હવે ગોપાલ કહે ત્યાં હું મારા કાર્યકરો સાથે રાજીનામુ આપવા પહોંચી જઇશ. મારા માટે રાજીનામું કંઈ નવી વાત નથી.
કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોરબીનામાં નાના મોટા પ્રશ્નો છે. પાટીદારો એક છે. ગોપાલ ઇટાલિયા જેવી વ્યક્તિઓ ખોટા અને બિનજરૂરી વિવાદો ઊભા કરે છે. તેઓ ચેલેન્જનું રાજકારણ તો રમવા જાય છે, પરંતુ પછી પાછી પાની કરે છે.
કાંતિ અમૃતિયાના આખા રાજકીય ડ્રામા સામે આમ આદમી પાર્ટી (આપ)ના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરની બેઠક પરથી રાજીનામુ આપવાના નથી. તેઓ પ્રજામતનો અનાદર ન કરી શકે. હવે જો તેમણે મોરબીમાં ચૂંટણી લડવી હોય તો પણ તેમણે કંઈ વિસાવદરની બેઠક પરથી રાજીનામુ આપવાની જરૂર નથી. આ અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે બંને ચૂંટાયેલા ધારાસભ્યો છે તો બંનેએ જનમતનો આદર કરીને લોકોના કામ કરવા જોઈએ. આ પ્રકારે સામસામે આવવું યોગ્ય નથી.
આ પણ વાંચો: ચેલેન્જના રાજકારણમાં નવો ડ્રામા, કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા
આ પણ વાંચો: ગોપાલ ઇટાલિયાને કાંતિ અમૃતિયાએ મોરબીમાંથી ચૂંટણી લડવા ફેંકી ચેલેન્જ
