અમદાવાદ: સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહમદ પટેલને રાજ્યસભા ચૂંટણી સંબંધિત કેસમાં ટ્રાયલનો સામનો કરવા જણાવાયું છે.
વર્ષ 2017 માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલની સામે ભાજપના ઉમેદવાર બલવંત સિંહ રાજપૂતે ગુજરાત હાઇકોર્ટમાં અહમદ પટેલના રાજ્યસભાની ચૂંટણીમાં વિજયને પડકારવામાં આવ્યો હતો.
જો કે આ કેસને કાઢી નાખવા માટે અહમદ પટેલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જે અંગે સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ અંગે સુનાવણી કરીને કોંગ્રેસના સાંસદ અહમદ પટેલને ટ્રાયલનો સામનો કરવા માટે જણાવ્યું હતું.
આ મામલે અહમદ પટેલ દ્વારા અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે બલવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે જણાવ્યું હતું કે, આ કેસમાં સુનાવણી થવી જોઈએ.
ગત તા. 26 ઑક્ટોબર, 2018ના રોજ ગુજરાત હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો હતો. આ મામલે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની બેંચે અહમદ પટેલની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, સુનાવણી થવા દો.
અહમદ પટેલ સામે ભાજપમાંથી રાજ્યસભા ચૂંટણી લડનારા બલવંતસિંહ રાજપૂત દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કોંગ્રેસના બળવાખોર બે ધારાસભ્યોના વોટ રદ્દ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારવામાં આવ્યો છે.
અરજદાર બળવંતસિંહ રાજપૂતની દલીલ છે કે, જો આ બે ધારાસભ્યોના વોટ ગણતરીમાં લેવામાં આવ્યા હોત તો તેઓ વિજેતા જાહેર થયા હોત.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અને અહમદ પટેલ સામે રાજ્યસભાની ચૂંટણી લડનાર બલવંતસિંહ રાજપૂતને ગુજરાતની ભાજપ સરકારે જીઆઈડીસીના ચેરમેન બનાવ્યા છે.
