પોરબંદર નજીકના કાંટેલા ગામે ગુરૂવારની રાત્રની હત્યાની ઘટના બનતા ભારે ચકચાર મચી જવા પામી છે. સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી. બોખીરામા રહેતા એક આધેડ તેમના મિત્રની વાડીએ ગયા હતા તે દરમ્યાન સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ લાકડી અને ધોકાવડે આડેધડ માર મારતા આધેડનું મોત થયુ હતુ.
પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા રામદેવભાઈ ભીમાભાઈ સામળા નામના આધેડ કાટેલા ખાતે રહેતા તેમના મિત્ર ખોડા ભીમા કેશવાલાની વાડીએ ગુરૂવારની રાત્રીના બેસવા માટે ગયા હતા એ દરમ્યાન બન્ને મિત્રો વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો ત્યારબાદ ઉશ્કેરાયેલા ખોડા કેશવાલાએ લાકડી વડે રામદેભાઈને આડેધડ માર મારતા તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડયા હતા.
માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ. મૃતક આધેડના મૃતદેહને પી.એમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
મૃતક આધેડના પુત્ર નિલેષ ખોડાએ કેશવાલા સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
