Gujarat Weather Update : ગુજરાતમાં હાલ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ પણ નોંધાયો છે. હવામાન (Weather) વિભાગે આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે.

કમોસમી વરસાદને લઇ હવામાન (Weather) વિભાગની આગાહી
હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આગામી થોડા દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આજે પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે, જોકે રાજ્યના કોઈપણ ભાગમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી નથી.
આગાહી અનુસાર, આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્શિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ આવતા ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આ સમયગાળા બાદ રાજ્યભરમાં હવામાનમાં કોઈ ખાસ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના
હવામાન (Weather) વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી શકે છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.
હવામાન (Weather) નિષ્ણાતો મુજબ, આગામી 24 કલાક સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેવાની સંભાવના છે. ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશામાંથી પવન ફૂંકાવાના કારણે આવતીકાલથી ઠંડીમાં વધારો થઈ શકે છે.
આ પણ વાંચો: નવસારીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ ખાબક્યો
આ પણ વાંચો:સૌરાષ્ટ્ર-કચ્છમાં અચાનક વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં
આ પણ વાંચો:નવા વર્ષની શરૂઆતમાં અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી,આગામી 24 કલાકમાં વરસાદની સંભાવના
