Valsad News/ વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારોની ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ લીધી મુલાકાત: રેસ્ક્યૂ કામગીરીને બિરદાવી, રાહત કામગીરી ઝડપી કરવા સૂચના

વલસાડમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચેલા ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે 12,376 લોકોના સફળ સ્થળાંતરની કામગીરીને બિરદાવી હતી

Gujarat Top Stories Others Breaking News
Harsh Sanghavi

Valsad News: વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi) એ જિલ્લામાં પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી તેમણે બચાવ અને રાહત કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી. એક જ દિવસમાં 12,376 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી બદલ તેમણે ટીમ વલસાડને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ પૂરનું પાણી ઓસર્યા બાદ સફાઈ, આરોગ્ય સેવાઓ અને અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય પહોંચાડવા તંત્રને સૂચના આપી હતી.

પૂૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે વલસાડ પહોંચ્યા હતા. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરની સ્થિતિ દરમિયાન હાથ ધરાયેલી બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને જિલ્લામાં થયેલા અતિભારે વરસાદ અને તેની અસર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ઉમરગામમાં એક જ દિવસમાં 1,064 મીમી (42.56 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જ્યારે કપરાડામાં સિઝનનો સૌથી વધુ 2,566 મીમી (102.64 ઇંચ) વરસાદ નોંધાયો છે.

એક જ દિવસમાં 12,376 લોકોનું સફળ સ્થળાંતર

ધોધમાર વરસાદ અને મધુબન ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે અનેક નદીઓ બંને કાંઠે વહેતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું હતું. આ દરમિયાન જિલ્લા વહીવટી તંત્રે એક જ દિવસમાં 12,376 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની મહત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે કોઈ મોટી જાનહાનિ કે મૃત્યુ વિના હજારો લોકોને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવાની કામગીરી પ્રશંસનીય છે. તેમણે જિલ્લા કલેક્ટર અને સમગ્ર ‘ટીમ વલસાડ’ને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી હતી.

આરોગ્ય અને રાહત કામગીરીને પ્રાથમિકતા આપવા સૂચના

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે હવે સૌથી મોટો પડકાર પૂરનું પાણી ઓસર્યા બાદ સ્વચ્છતા જાળવવાનો છે. તેમણે પાલિકા અને વહીવટી તંત્રને યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન શરૂ કરવા, વધારાનો સ્ટાફ તૈનાત કરવા તેમજ જેસીબી, ટ્રક અને જરૂરી મશીનરી ઉપલબ્ધ કરાવવાની સૂચના આપી હતી. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવા, ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની કામગીરી હાથ ધરવા અને સડેલા અનાજ તથા અન્ય કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવા પણ સૂચના આપવામાં આવી હતી, જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય.

નાયબ મુખ્યમંત્રીએ રેલવે સ્ટેશનની લીધી મુલાકાત

હર્ષ સંઘવીએ અધિકારીઓને પૂરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક કેશ ડોલ્સ અને રાશન કિટ પહોંચાડવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈપણ દૂરના ગામનો અસરગ્રસ્ત વ્યક્તિ સરકારી સહાયથી વંચિત ન રહે. મુલાકાત દરમિયાન તેમણે વલસાડ (Valsad)રેલવે સ્ટેશનની મુલાકાત લઈ ભારે વરસાદના કારણે અટવાયેલા મુસાફરો સાથે વાતચીત કરી હતી. સ્ટેશન માસ્ટર પાસેથી ટ્રેન વ્યવહાર અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમણે ઔરંગા નદી (Auranga River)અને છીપવાડ વિસ્તારની મુલાકાત લઈ પાણીના પ્રવાહનું નિરીક્ષણ પણ કર્યું હતું.

રાજ્ય સરકારે વલસાડ જિલ્લામાં રાહત અને પુનઃસ્થાપન કામગીરી ઝડપી બનાવવા માટે 17 જેટલા વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરી છે. હર્ષ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી થોડા દિવસોમાં વલસાડ જિલ્લો ઝડપથી સામાન્ય સ્થિતિમાં પરત ફરશે.


આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં વરસાદનો મહાપ્રલય: ઉમરગામમાં 24 કલાકમાં 36 ઇંચ વરસાદ, DyCM હર્ષ સંઘવી પહોંચ્યા નવસારી

આ પણ વાંચો: સાયબર ક્રાઇમ સામે ગુજરાત સરકારનો માસ્ટર સ્ટ્રોક: હર્ષ સંઘવીએ બેંકો-પોલીસ સાથે યોજી હાઇ લેવલ બેઠક

આ પણ વાંચો: હર્ષ સંઘવીએ રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી