સમગ્ર દેશમાં પ્રથમ તબકકાના કોવિડ રસીકરણના રાષ્ટ્ર વ્યાપી શુભારંભ બાદ બીજા તબકકાના શુભારંભ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ કોરોના વેકસિનનો પ્રથમ ડોઝ લઇ પ્રેરક પહેલ કરી હતી.
સમગ્ર દેશમાં તા. 16મી, જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા કોવિડ વેકસિનેશનના પ્રથમ તબકકામાં ફ્રન્ટલાઇન વોરિયર એવા આરોગ્યકર્મીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. બીજા તબકકાના રસીકરણમાં સુરક્ષાકર્મીઓ અને મહેસુલકર્મીઓને રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી દરમિયાન છેલ્લા દશ મહિનાથી ખડેપગે લોકોની સેવામાં તહેનાત પોલીસ કર્મીઓ, મહેસુલકર્મીઓ અને નગરપાલિકા/મહાનગર પાલિકાના કર્મચારીઓને કોવિડ-૧૯ વેકસિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રભાઇ શર્મા સહિતના અન્ય અધિકારીઓએ કોવિડ-19 ની રસીનો ડોઝ લઇ જિલ્લામાં એક પ્રેરણાત્મક ઉદાહરણ પુરૂં પાડયું હતું.
કોવિડ-19 ની વેકસિન લીધા બાદ જિલ્લા કલેકટરે મીડીયાકર્મીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રના વડા તરીકે મેં, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકે કોવિડ-19ની વેકસિન લીધી છે. વેકસિન સંપૂર્ણ સલામત છે. તેની કોઇ આડઅસર નથી તેથી દરેક ફ્રન્ટલાઇન વોરિયર્સ અને તમામ લોકો પણ રસીકરણનો લાભ લે એવો અનુરોધ તેમણે કર્યો હતો.
જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, આજે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ અધિક્ષક તરીકે મેં પણ રસી લીધી છે. રસીની કોઇ આડઅસર નથી. અત્યર સુધીમાં મારા પોલીસ વિભાગ પાંચસો કરતા પણ વધુ પોલીસ અધિકારી/કર્મચારીઓએ રસી લીધી છે અને તેમને કોઇ આડઅસર થઇ નથી. મારા પોલીસ વિભાગના તમામ અધિકારી/કર્મચારીઓ અને હોમગાર્ડસ્ પણ રસી લેશે એમ જણાવી તેમણે રસી સંપૂર્ણ સલામત છે તેથી સૌએ રસી લેવી જોઇએ એમ જણાવ્યું હતું.
કોવિડ-19 રસીકરણના બીજા તબકકાની શરૂઆત અંગે વાત કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરીએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, બીજા તબકકાના રસીકરણ દરમિયાન જિલ્લાના પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓ, મહેસુલ વિભાગના અધિકારી/કર્મચારીઓને આવરી લેવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
આમ, છોટાઉદેપુર જિલ્લામાં બીજા તબકકાના રસીકરણ દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ રસીકરણ કરાવી જિલ્લા વહીવટીતંત્રના અન્ય અધિકારી/કર્મચારીઓ તથા જિલ્લાની આમ જનતા સામે એક ઉદાહરણ પુરૂં પાડયુ હતુ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
