જો તમે ગુજરાતમાં મંદિરમાં આસ્થા ધરાવતા હોયતેમજ શામળાજી મંદિરના દર્શનાર્થે અવારનવાર જતા હોય તો ભાઈઓ હોય કે બહેનો હોય તમામ લોકોએ વસ્ત્ર પરિધાન સંદર્ભે જાગૃતિ રાખવી પડશે.કારણ કે જો તમે શોર્ટ્સ કે બરમુડા પહેરીને મંદિરમાં દર્શન કરવા જશો તો તમને પ્રવેશ આપવામાં નહીં આવે. ઘણા દર્શનાર્થીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા હોય મંદિરના ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.એક તરફ મહિલાઓના શોર્ટ્સને લઈને ઉત્તરાખંડનાં સીએમ વિવાદમાં છે ત્યારે જ શામળાજી ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવતા બળતામાં ઘી હોમાયું છે.
વસ્ત્ર પરિધાન એ જાણે વર્તમાન સમયમાં મહત્ત્વનો મુદ્દો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે.તાજેતરમાં જ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવતે યાત્રા વખતે મહિલાઓ દ્વારા ફાટેલા જીન્સ ધારણ કરવાના મુદ્દે નિવેદન આપ્યા બાદ હોબાળો થયો હતો ત્યારે હવે ગુજરાતના શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓમાટે ટૂંકા વસ્ત્રો પરિધાન આ મામલે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

આ નિર્ણયનું પાલન કરવા માટે મંદિરની બહાર બોર્ડમાં લખવામાં આવ્યું છે કે દર્શને આવતા ભાઈઓ અને બહેનો ને વિનંતી છે કે ટૂંકા વસ્ત્રો તેમજ બરમુડા પહેરીને મંદિરમાં પ્રવેશ મળશે નહીં. આ ઉપરાંત વર્તમાન સમયમાં કોરોના સંદર્ભે પણ માસ્ક પહેરવું ફરજીયાત હોવાનો પણ આ નોટિસ બોર્ડ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પીતાંબર પહેરીને મંદિરમાં પ્રવેશ કરી શકાશે અને આજથી આ નિયમોની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.જેનું મંદિરના દર્શનાર્થીઓને પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.
