રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ 20માં દિવસમાં પ્રવેશી ગયું છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે ત્રણ રાઉન્ડની વાતચીત પણ થઈ ચૂકી છે, પરંતુ યુદ્ધ રોકવા માટે કોઈ સહમતિ સધાઈ રહી નથી. આવી સ્થિતિમાં બંને દેશોને મોટું નુકસાન થઈ રહ્યું છે. સૈનિકોના નુકસાનની સાથે બંને દેશોના શસ્ત્રો પણ વધુને વધુ ખાલી થઈ રહ્યા છે.
આ દરમિયાન અમેરિકાના ભૂતપૂર્વ સૈન્ય અધિકારી બેન હોજેસે મોટો દાવો કર્યો છે કે રશિયા પાસે હવે માત્ર 10 દિવસનો દારૂગોળો બચ્યો છે. આવી સ્થિતિમાં, જો આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે, તો રશિયન સેના ધીમે ધીમે તૂટવા લાગશે. અમેરિકન અધિકારીનું કહેવું છે કે આ એક ઝડપી ઓપરેશન હતું, જે યુદ્ધમાં ફેરવાઈ ગયું છે.
પુતિનની વ્યૂહરચના દરેક મોરચે નિષ્ફળ
યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા રશિયાની રણનીતિ દરેક મોરચે નિષ્ફળ રહી છે. રશિયાનું અનુમાન હતું કે તેની સેના બે-ત્રણ દિવસમાં યુક્રેન પર કબજો કરી લેશે. જો કે, આવું બન્યું ન હતું. તેને યુક્રેન તરફથી મજબૂત પ્રતિકારનો સામનો કરવો પડ્યો. અત્યાર સુધી પુતિનની રણનીતિ દરેક મોરચે નિષ્ફળ રહી છે. અમેરિકાએ એવો પણ દાવો કર્યો છે કે યુદ્ધ હવે માત્ર પુતિનના રોષનું પરિણામ છે, કારણ કે તેણે વિચાર્યું હતું કે તે બે દિવસમાં યુક્રેન લઈ લેશે.
શું ચીનથી માંગી મદદ ?
યુદ્ધની વચ્ચે બીજી એક વાત બહાર આવી છે કે રશિયાએ ચીન પાસે સૈન્ય સાધનો અને મદદ માંગી છે. જો કે ચીન અને રશિયા દ્વારા આ વાતનો ઈન્કાર કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે અમેરિકા પ્રચાર કરી રહ્યું છે. જો કે અમેરિકા દ્વારા ચીનને ચેતવણી પણ આપવામાં આવી છે કે, જો ચીન રશિયાની મદદ કરશે તો તેના ખરાબ પરિણામો પણ ભોગવવા પડશે.
