હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી 88 વર્ષની ઉંમરે સોમવારે મોડી રાત્રે 11 કલાકે અક્ષર નિવાસી થયા છે. હરિપ્રસાદ સ્વામી ઘણા સમયથી નાદુરસ્ત હતા. તેમને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત બગડતા દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે મોડીરાત્રે 11 વાગે સ્વામીજીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ દુખદ સમાચારને કારણે દેશવિદેશનાં હરિભક્તોમાં શોક વ્યાપી ગયો છે.
CM રૂપાણીએ પાઠવી શ્રદ્ધાંજલિ
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું છે કે યુવાઓ માં વ્યસન મુક્તિ ,શિક્ષા પ્રણાલી ના પ્રચાર પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે.તેમના દેહ વિલય અને પરમધામ ગમન થી લાખો શોકમગ્ન અનુયાયીઓ ના દુઃખમાં સહભાગી થતાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ સ્વામીશ્રી ના આત્મા ની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.
સાંસદ રંજનબેન ભટ્ટે પાઠવી શ્રદ્ધાંજલિ
વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટે પણ હરિપ્રસાદ સ્વામીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેઓએ કહ્યું કે તેઓ સ્વામીજીનાં નિર્વાણનાં સમાચારથી ખુબ જ દુખી છે.
આપને જણાવી દઈએ કે, યોગી ડિવાઇન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઇના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ, યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને આજરોજ તા.26 જુલાઇ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયા છે.
1943માં સ્વામીજીનો થયો હતો જન્મ
આપને જણાવી દઇએ કે, હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ 23 મે 1934માં થયો હતો. તેઓ બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા. ગત 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટય દિન ભક્તોએ ઉજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતાં હતાં.
