સુરેન્દ્રનગર/ સાયલા ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં નવીન બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા ૧૩૬ લાખથી વધુના ખર્ચે નવનિર્મિત સાયલા બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો

Gujarat

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા ૧૩૬ લાખથી વધુના ખર્ચે નવનિર્મિત સાયલા બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ તકે મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અંતરિયાળ વિસ્તારના લોકોને પરિવહન સેવા સરળતાથી ઉપલબ્ધ બનાવવા કટિબદ્ધ છે. સાયલા ખાતે આ નવીન બસ સ્ટેશનનું નિર્માણ થવાથી આ વિસ્તારના લોકોની પરિવહન સુવિધામાં વધારો થશે. વાહન વ્યવહાર નિગમ દ્વારા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને મુસાફરી માટે પૂરતી સવલત આપવામાં આવી રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, આજે લોકોને માળખાકીય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ બને તે દિશામાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે, અને આગામી દિવસોમાં આ વિસ્તારના બાકી રહેતા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું.

રાજ્ય સરકારે દરેક ક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, શિક્ષણ અને આરોગ્યલક્ષી સુવિધાઓ સામાન્ય લોકોને સુલભતાથી મળી રહે તેવા નિર્ધાર સાથે રાજ્ય સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં અગ્રણી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગામડામાંથી શહેરમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને આ બસ સ્ટેશનની સુવિધા મદદરૂપ થશે.

આ કાર્યક્રમમાં એસટી વિભાગના ડિવિઝન વર્કશોપ સુપરવાઇઝર એન વી ઠુમરે શાબ્દિક સ્વાગત કરી વિભાગ દ્વારા જિલ્લાના લોકો માટે આપવામાં આવતી એસ.ટી.ની સુવિધાઓ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. આ પ્રસંગે રાજ્ય સભાના પૂર્વ સાંસદ શંકરભાઇ વેગડ, લીંબડી પ્રાંત અધિકારી એચ.એમ.સોલંકી, અગ્રણીઓ સર્વ નરેન્દ્રભાઈ મુંજપરા, રાજભા ઝાલા, સુરિંગભાઈ ધાંધલ, મહેશભાઇ મકવાણા, ગભરૂભાઈ રબારી, જીગ્નેશભાઈ સભાણી, કાળુભાઈ કાલીયા, વી.પી. જાદવ અને અજયભાઈ ઝાલા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.