રામ મંદિર માટે દેશના ખૂણેખૂણેથી દાનનો અવિરત ધોધ વહી રહ્યો છે. ટ્રસ્ટની અપેક્ષા અને અનુમાન કરતાં વધુ સંખ્યામાં દાન મળી રહ્યું છે. મંદિર બનાવવા માટે ખર્ચનો જે અંદાજ મૂકવામાં આવ્યો તો તેના કરતાં લગભગ બમણી રકમ અત્યાર સુધીમાં દાન સ્વરુપે મળી છે. વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય ઉપાધ્યક્ષ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહામંત્રી ચંપતરાયે જણાવ્યું કે રાજસ્થાનના લોકોએ સૌથી વધારે 515 કરોડ રુપિયાનું દાન કર્યું છે.
મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે રાજસ્થાનના 36 હજાર ગામો તથા શહેરોએ મંદિર માટે 515 કરોડ રુપિયાનું દાન આપ્યું છે. દેશમાં ઉત્તરાયણથી માંડી માઘી પૂનમ સુધી ચાલેલા દાન અભિયાનમાં એક લાખ પંચોતેર હજાર સમૂહ દ્વારા લગભગ નવ લાખ કાર્યકરોએ ઘરે ઘરે જઈને લોક સંપર્ક કેળવ્યો હતો અને લોકોને છૂટા હાથે દાન આપવાની અપીલ કરી હતી.
મંદિર નિર્માણ માટે અત્યાર સુધી 2500 કરોડનું દાન આવ્યું
ચંપતરાયે જણાવ્યું કે ચાર માર્ચ સુધી મંદિર નિર્માણ માટે અત્યાર સુધી 2500 કરોડનું દાન આવ્યું છે, જોકે આ અંતિમ આંકડો નથી. મંદિરના ચબૂતરા માટે મિર્ઝાપુર જિલ્લા અને પરકોટા માટે જોધપુરના પથ્થર લગાડવાનો વિચાર થઇ રહ્યો છે. મંદિરમાં ભરતપુરના બંશી પહાડપુરના પણ પથ્થર લાગશે. તેમણે કહ્યું કે મંદિર માટે 400 ફૂટ લાંબો, 250 ફૂટ પહોળો અને 40 ફુટ ઊંડો કાટમાળ બહાર કાઢવામાં આવી રહ્યો છે જે પછી પુરવાનું કામ શરુ કરાશે. પુરવાનું કામ આઈઆઈટી મદ્રાસના વૈજ્ઞાનિકો તૈયાર કરી રહ્યાં છે.
ચંપતરાયે જણાવ્યું કે જમીન સુધી ક્રોંકિટ અને તેની પર 16.5 ફૂટ ઊંચા ચબૂતરા પથ્થરોથી બનશે જેની પર મંદિર બનશે. મંદિરના ભૂગર્ભથી 161 ફુટ ઊંચું હશે અને તે 361 ફુટ લાંબુ અને 235 ફુટ પહોળું હશે. મંદિર ત્રણ માળનું હશે, દરેક માળની ઊંચાઈ 20 ફૂટ હશે. તેમણે કહ્યું કે આ જમીન પર લગભગ 500 વિશાળ વૃક્ષ છે જેને કાપ્યા વગર બીજે ઠેકાણે ખસેડવામાં આવશે.
