માર્ચ મહિનાની શરૂઆત થયા બાદ ગુજરાતમાં કોરોના વાયરસ કંટ્રોલ બહાર નીકળી ગયો છે અને રાજ્યમાં મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે, ત્યારે હવે આ વાયરસને કંટ્રોલ કરવા માટે સરકાર પણ એકશનમાં આવી ગઈ છે.
કોરોનાની વણસેલી સ્થિતિને જોતા હવે રાજ્ય સરકારે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓએ છેલ્લા 72 કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલું હોવું જોઇએ અને જેનો રિપોર્ટ નેગેટિવ હશે તેને જ રાજ્યમાં પ્રવેશ અપાશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના બેડામાં કરાયા મોટા ફેરફાર, 86 અધિકારીઓની કરાઈ બદલી
આ સાથે બંને રાજ્યોની બોર્ડર પર મહારાષ્ટ્રમાંથી રાજ્યમાં પ્રવેશ કરતા દરેક વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને સુરત એસટી બસ સ્ટેન્ડ ખાતે ટેસ્ટિંગ કરવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ માથું ઉચક્યું છે અને દેશમાં સૌથી વધુ કેસો કેસો મહારાષ્ટ્રમાં જ સામે આવી રહ્યા છે, હાલમાં મહારાષ્ટ્રમાં 30 હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને એક જ દિવસમાં આ વર્ષના સૌથી વધુ 1700 થી વધુ કોરોનાના કેસો સામે આવ્યા છે, ત્યારે હવે રાજ્યની રુપાણી સરકાર દ્વારા આ કોરોના સંક્રમણ વધતા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ હશે એનવી રમન્ના, વર્તમાન CJIએ અનુગામીનું મોકલ્યું નામ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 1730 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણને લઈને અમદાવાદ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આજે 502 નવા કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : હોળી-ધૂળેટીના તહેવારોમાં વીરપુરનું જલારામ મંદિર દર્શનાર્થીઓ માટે 27મીથી ચાર દિવસ રહેશે બંધ
