રાજકોટ/ સૌ.યુનિ. હવે પેપરલેસ થવા તરફ જઈ રહી છે ; નવેમ્બરમાં મેઈન બિલ્ડીંગ સંપૂર્ણ ડિજીટલાઈઝ્ડ થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડિજીટલાઈઝ્ડ થતાં કઈ ફાઈલ ક્યાં સમયે કોની પાસે હતી તે તમામ માહિતીની નોંધ એક ટચમાં જ ઉપલબ્ધ બનશે

Gujarat Others

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે ટૂંક સમયમાં જ પેપરલેસ થવા જઈ રહી છે. યુનિવર્સિટીને બે તબક્કામાં સંપૂર્ણ ડિજીટલાઈઝ્ડ કરવામાં આવશે. જેનો પ્રથમ તબક્કો નવેમ્બરમાં લાઈવ કરવામાં આવશે. જ્યારે બીજો એટલે કે અંતિમ તબક્કાનું કામ માર્ચ 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં યુનિવર્સિટીની મેઈન બિલ્ડીંગ તથા બીજા તબક્કામાં તમામ ભવનોને આવરી લેવામાં આવશે. આ માટે તમામ કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે.

માર્ચ 2021થી શરૂ કરવામાં આવેલાં આ મહત્વનાં પ્રોજેક્ટમાં મેઈન બિલ્ડીંગમાં આવેલાં ઓડીટ, પીજી, લિગલ, એસ્ટેટ, એકેડેમિક, એફિલીએટ, સ્પોર્ટ્સ સહિતના સેકશન તથા હેલ્થ સેન્ટરનો સમાવેશ થાય છે. ડિજીટલાઈઝ્ડ કરવાની કામગીરીમાં તમામ સેકશન કોમ્પ્યુટરરાઈઝ્ડ કરવાથી લઈ તમામ વિગતો વેબસર્વર પર મૂકવી, હોસ્ટિંગ સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. આ માટે અગાઉથી જ તમામ સેકશનની જરૂરિયાત પ્રમાણેની માહિતી એકત્ર કરવામાં આવી છે. મેઈન બિલ્ડીંગના તમામ સેકશનને ડિજીટલાઈઝ કરવા માટે કેબલિંગ નાંખવાની કામગીરીનો ટૂંક સમયમાં પ્રારંભ કરવામાં આવશે.

યુનિવર્સિટીને સંપૂર્ણ ડિજીટલાઈઝ્ડ કરવાની કામગીરીના બીજા તબક્કામાં તમામ ભવનોને આવરી લેવામાં આવશે. આ બીજો અને છેલ્લો તબક્કો માર્ચ 2022માં પૂરો કરી લેવામાં આવશે. એટલે કે સંભવિત માર્ચ 2022માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંપૂર્ણ રીતે પેપરલેસ એટલે કે ડિજીટલાઈઝ્ડ થઈ જશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડિજીટલાઈઝ્ડ થતાં કઈ ફાઈલ ક્યાં સમયે કોની પાસે હતી તે તમામ માહિતીની નોંધ એક ટચમાં જ ઉપલબ્ધ બનશે. જેને લીધે કયારેક ફાઈલ ગુમ થઈ જવાના નામે કર્મચારીઓ દ્વારા આચરવામાં આવતી છટકબારી બંધ થઈ જશે અને યુનિવર્સિટીનો વહિવટ પારદર્શક બનશે