વાતચીત/ ક્વાડ સમિટ પહેલા ભારત અને અમેરિકાના સંરક્ષણ મંત્રી વચ્ચે ટેલિફોન પર વાતચીત થઇ

સંરક્ષણ મંત્રીએ ટ્વિટર પર લખ્યું કે અમે પ્રાદેશિક સંરક્ષણ અને વિવિધ બાબતો પર ચર્ચા કરી, સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી

Top Stories India

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સોમવારે અમેરિકાના સંરક્ષણ સચિવ લોઈડ ઓસ્ટિન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંનેએ અફઘાનિસ્તાનની સ્થિતિ અને પ્રાદેશિક સુરક્ષા પર તેની અસર અંગે ચર્ચા કરી હતી. આ વાતચીત વોશિંગ્ટનમાં 24 સપ્ટેમ્બરે યોજાનારી ક્વાડ સમિટ પહેલા થઈ હતી.

આ અંગે માહિતી આપતા ભારતીય સંરક્ષણ મંત્રીએ ટ્વિટર પર લખ્યું કે અમે પ્રાદેશિક સંરક્ષણ અને સહકાર સહિત વિવિધ બાબતો પર ચર્ચા કરી. આ દરમિયાન અફઘાનિસ્તાનની સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજનાથ સિંહના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ વચ્ચે વધુ વાતચીત ચાલુ રાખવા અને પરસ્પર સહકારને મજબૂત કરવા માટે સમજૂતી થઈ છે. નોંધપાત્ર વાત એ છે કે, અફઘાનિસ્તાનના તાલિબાનના શાસન હેઠળ આવ્યા બાદ પાકિસ્તાન મારફતે ભારતમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થવાથી ભારતીય સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન 24 સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં ક્વાડ સમિટનું આયોજન કરશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત જાપાનના યોશીહિડે સુગા અને ઓસ્ટ્રેલિયાના સ્કોટ મોરિસન પણ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. રાજનાથ સિંહ અને ઓસ્ટિન વચ્ચે અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા થઈ છે, જ્યારે થોડા દિવસો પહેલા બંને દેશોએ આગ્રહ કર્યો હતો કે અફઘાન ભૂમિનો ઉપયોગ કોઈ પણ દેશ સામે આતંકવાદ માટે ન કરવો જોઈએ.