ગુજરાત રાજ્યમાં દિનપ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે.પોલીસ આવા વ્યાજખોરો પર સંકજો કસવા કડક કાર્યવાહી કરી રહી છે. તેમ છતાં વ્યાજખોરો બેફામ બની રહ્યા છે. આવામાં વધુ એક વ્યાજખોરોના ત્રાસની ઘટના સામે આવી છે. આ ઘટના સુરતની છે જ્યાં યુવકે વ્યાજખોરના આતંક અને ત્રાસના કારણે આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં આપઘાત પહેલા કેતન સોપારીવાળા નામના વેપારીએ 6 વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ આ પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ ખાતે રહેતા અને ચોકબજાર ખાતામાં કાપડની લેવેચ સાથે બાયો ડીઝલનો પંપ ચલાવતા કેતન સોપારીવાળા નામના યુવાને થોડા સમય પહેલા વેપાર માટે કેટલાક લોકો પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા. જોકે, વ્યાજખોરોની કડક ઊઘરાણી સાથે મારી નાખવાની ધમકીને લઇને ત્રાસી ગયેલા યુવાન ઘરથી છેલ્લા 10 દિવસ પહેલાં ગુમ થયા બાદ આજે સુરતના છેવાડે આવેલ હજીરા ખાતે તેની લાશ મળી આવી હતી. જોકે આ યુવાને આપઘાત પહેલાં વ્યાજખોર જે ત્રાસ આપતા હતા તેમના નામ સુસાઇડ નોટમાં લખ્યા હતા.

કેતન સોપારીવાલાએ આપઘાત કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને એક સુસાઈટ નોટ મળી હતી. જેમાં 6 વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક વેપારીએ પૈસા સમય મર્યાદામાં ચૂકવી પણ દીધા હતા. જો કે 3.50 લાખનું વ્યાજ બાકી હોવાનું કહી વ્યાજખોરો તેમને સતત હેરાન પરેશાન કરવા સાથે માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.
તારીખ 8 ઑક્ટોબરના રોજ વ્યાજખોર મનહરનો ભત્રીજો તેના મળતિયાયા લઈને આવીને કેતન ભાઈને ધમકાવી ગયો હતો જેને લઈનેતે પોતાની ઓફિસથી નીકળી ગયા બાદ ગુમ થઈ ગયા હતા. જોકે આ મામલે પરિવાર દ્વારા ચોકબજાર પોલીસમાં તેમની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.હાલ આ મામલે પોલીસે સુસાઇડટ નોટ કબજે કરી આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
