અમેરિકામાં બંધારણીય રીતે ચૂંટાયેલ રાષ્ટ્રપતિ જો બાઈડનને તેના પૂરોગામી ટ્રમ્પ સત્તા સંભાળતા રોકવા માટે અનેક કારસા ખેલે છે. અને તેના કારણે વાત સંસદમાં હિંસાખોરી સુધી પહોંચી જાય છે અને વિશ્વની સૌથી જૂની લોકશાહીને કલંક લાગી જાય છે. ભારતમાં ભલે આવું ક્યાંય બન્યું નથી તે આપણા સદ્દનશીબ છે. આપણા લોક પ્રતિનિધિઓ માત્ર દેકારા પડકારા કે કોઇ કિસ્સામાં મારામારી કરીને સંતોષ માને છે અને પછી જાણે કે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું હોય, તેમ સાથે ચા પાણી નાસ્તો કરતા હોય છે. આને કારણે જ ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે ભારતીય લોકતંત્ર જીવંત છે. તેમની વાત સાચી છે.
રાજ્યપાલોની કોના તરફ તરફદારી
આ બધી વાતો વચ્ચે પણ એક વાત નોંધવી પડે છે કે, ભારતમાં જેમને બંધારણીય વડાનો દરજ્જો અને તેમાંય ખાસ કરીને રાજ્યમાં રાજ્યનાં બંઘારણીય વડાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેમનું વાણી અને વર્તન ક્યારેય ચર્ચાનો વિષય બને છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીશ ધનખડ દિલ્હી ગયા. ગૃહમંત્રી અમિત શાહને મળ્યા અને ત્યારબાદ આવીને પત્રકાર પરિષદ સંબોધી. તેમણે કહ્યું કે બંગાળમાં સુરક્ષા વ્યવસ્થા ખતરામાં છે, ત્યાં અલકાયદા ફેલાઈ ગયો છે. ગેરકાયદે બોંબ બનાવતી ફેક્ટરી ચાલે છે. હું જાણું છું કે પ્રશાસન શું કરે છે ? અમારી પોલીસ પોલીટીકલ છે. આગળ વધીને આ મહામહીમે એમ પણ કહી નાખ્યું કે બંગાળમાં બંધારણીય જોગવાઈઓને અવગણવામાં આવે છે. બહારના રાજ્યના કોઈ લોકો બંગાળમાં આવે તો તેને બહારના કહેવામાં આવે છે. (આમા થોડા સમય પહેલા જેપી નડ્ડા અને અમીત શાહ માટે મમતા બેનરજીએ કરેલા વિધઆન તરફ અંગુલી નિર્દેશ કર્યો છે) આગળ વધીને આ મહાનુભાવે એમ કહ્યું કે બંગાળમાં ચૂંટણી પડકારભરી છે અહીં ચૂંટણીમાં હિંસા સામાન્ય વાત છે. મતદારોના અધિકારો બ્યુરો ક્રેસી અને પોલીસની ભૂમિકા સાથે સમજૂતિ થતી રહે છે.
બંગાળના રાજ્યપાલનાં રાજકીય નિવેદન
બંગાળના રાજ્યપાલના આ વિધાનો શું સૂચવે છે ? ભૂતકાળમાં પણ આ મહાનુભાવે બંગાળની ટીકા કરતાં વિધાનો કર્યા છે વારંવાર દિલ્હી દોડી જાય છે અને ત્યાં આવ્યા બાદ આવા વિધાનો કરતાં રહે છે. આ અંગે ઘણા બંધારણ નિષ્ણાતોએ બંધારણની જાેગવાઈઓ ટાંકીને કહ્યું છે કે રાજ્યપાલ રાજ્ય સરકારો અને રાજ્યના પ્રધાનમંડળને જવાબદાર હોય છે ભલે આપણા દેશમાં રાજ્યપાલની નિમણુંક સત્તાધારી પક્ષના કોઈ વરિષ્ઠ સભ્યની થતી હોય અથવા તો કોઈ રાજ્યના મુખ્યમંત્રી પદ છોડનાર મહાનુભાવની થતી હોય પરંતુ રાજ્યપાલ પદે બેઠા બાદ એટલે કે શપથગ્રહણ કર્યા બાદ તે કોઈ પક્ષના રહેતા નથી. માત્ર તેણે રાજ્યના પ્રધાન મંડળની સાથે રહીને પોતાની બંધારણીય જવાબદારીઓ નિભાવવાની હોય છે. વિધાનસભાએ પસાર કરેલા ઠરાવો પર સહી કરવાની હોય છે અને તેને રાષ્ટ્રપતિ સમક્ષ બહાલી માટે મોકલવાના હોય છે. આમા ગુણવત્તા પણ એક બાબત છે. વિધાનસભાના બજેટ કે અન્ય સત્રના પ્રારંભમાં પ્રવચન પણ રાજ્ય સરકારની નીતિઓને લગતું કરવાનું હોય છે ટુંકમાં રાજ્યપાલ કે રાજ્યના બંધારણીય વડાછે. શાસક કે વિરોધ પક્ષના નેતા નથી. તેમણે શાસક વિપક્ષ અને પ્રજા વચ્ચે સેતુ બનવાનું હોય છે પરંતુ અત્યારે આ બંધારણીય જાેગવાઈઓના પાલન કરવાના દાવા સાથે ઘણીવાર કેન્દ્ર સરકારના ઈશારે નિર્ણયો લઈ રાજ્ય સરકારોને પરેશાન પણ કરવામાં આવતા હોવાના કિસ્સાઓ ભૂતકાળમાં પણ બનતા હોય છે.
રાજ્યપાલ કેવી રીતે રાજ્ય સરકાર પર લગામ કસી શકે
બંધારણીય નિષ્ણાતો કહે છે કે રાજ્યપાલોએ રાજ્યની સરકાર પર લગામ રાખવાની છે તે વાત સાચી છે પણ તે કેન્દ્રના ઈશારે નહિ બંધારણીય જોગવાઈનો અમલ થતો હોય ત્યાં રાખવાની છે. ભૂતકાળમાં પણ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે અનેકવાર આવા વિધાનો કર્યા છે તેઓ બંધારણીય વડા હોવા છતાં રાજકીય ભાષામાં વધુ વાત કરે છે તેનો આ પૂરાવો છે રાજ્યપાલને એમ લાગે કે તેમના રાજ્યમાં બંધારણીય જોગવાઈઓને ભંગ થતો લાગે તો તેઓ રાજ્યના પ્રધાન મંડળને રૂખસદ આપવા ભલામણ કરી શકે છે આ માટે આપણા બંધારણમાં સ્પષ્ટ જાેગવાઈ છે પરંતુ બંગાળના રાજ્યપાલ આ રીતે વર્તતા નથી અને જાણે કે રાજકીય ભાષા બોલતા હોય તેમ પ્રવચનો કરતાં રહે છે. સરકાર સામે પગલાં ભરવાની ભલામણના બદલે સરકારની ટીકા કરતાં રહે છે બીજા અર્થમાં કહો તો સરકારને બદનામ કરતાં રહે છે.
કેન્દ્ર અને મમતા આમનેસામને, આવુ કરવા માંગે છે ગૃહમંત્રાલય
ભૂતકાળમાં બંગાળમાં અનેક વિવાદો થયા છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રી લગભગ આમને સામને જ છે. કેન્દ્ર સરકાર અને તેમાંય ખાસ કરીને ગૃહમંત્રી મમતા સરકારને બરતરફ કરી રાષ્ટ્રપતિ શાસન લાદી પછી બંગાળમાં ચૂંટણી યોજવાના મતના છે પરંતુ અત્યારે બંગાળમાં જે સ્થિતિ છે તે જાેતા બંગાળમાં સરકાર લઘુમતીમાં પણ નથી તેમજ કોઈપણ જાતની બંધારણીય કટોકટી પણ નથી. ભૂતકાળમાં ઘણા સ્થળે હિંસા ખોરી થઈ છે. છતાં સરકારોએ શાસન કર્યું છે ગોધરાકાંડના રમખાણો પછી પણ ભલે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાની પદ જાળવી રાખ્યું હતું. વડાપ્રધાન પોતે આ વાત જાણે છે કે જાે મમતા સરકારને બરતરફ કરાય તો તેમના હાથમાં લોકોની સહાનુભૂતિ મેળવવાનું મહત્વનું હથિયાર મળી જાય તેમ છે. એટલા માટે તો તેમણે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. ભાજપના નેતાઓ ભલે અમિત શાહ હોય જે પી નડ્ડા હોય કે અન્ય કોઈ હોય તે બંગાળમાં જઈ પ્રહારો કરે તેમાં વાંધો નથી. પણ રાજ્યપાલ રાજકીય ભાષામાં વાત કરે તે યોગ્ય વાત નથી તેમ નિષ્ણાંતો પણ માને છે અને આના કારણે રાજ્યપાલપદની ગરિમા પણ જાેખમાઈ રહી છે.
મહારાષ્ટ્રમાં પણ રાજ્યપાલની ચેષ્ટા વખોડાઇ હતી
થોડા સમય પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલે પણ ત્યાંની મહારાષ્ટ્ર અઘાડી સરકારનું નેતૃત્વ સંભાળી સરકાર ચલાવી રહેલા મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને પત્ર પાઠવીને મંદિરો નહિ ખોલવા બાબતના તેમના વલણની ટીકા કરી હતી ત્યારે શિવસેનાએ અને તેના સાથી પક્ષો કોંગ્રેસ અને એનસીપીએ તેમના વલણને વખોડ્યું હતું. કર્ણાટકમાં કેન્દ્રના ઈશારે ગત ચૂંટણી બાદ યેદીયુરપ્પાને સરકાર રચવા માત્ર સીંગ લાર્જેસ્ટ પાર્ટીની દલિલ સાથે મુખ્યમંત્રી બનાવનાર કર્ણાટકના રાજ્યપાલને કોર્ટની ટીકા બાદ નિર્ણય ફેરવવો પડ્યો હતો. અને કોંગ્રેસની ભાગીદારી સાથે જનતાદળ (એસ)ના કુમાર સ્વામીને સરકાર રચવાની તક આપવી પડી હતી. જાેકે ત્યારબાદ પક્ષપલ્ટાનું હથિયાર ઉગામી આ સરકારને હટાવી – લઘુમતીમાં મુકી ભાજપના યેદીયુરપ્પા મુખ્યમંત્રી બની બેઠા તે જૂદી વાત છે. આ પહેલ મણિપુર અને ગોવામાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને વિપક્ષે બેસવાનો વારો આવ્યો છે. આમ રાજ્યપાલો કેન્દ્રના ઈશારે નિર્ણયો લે છે તેમ વિરોધપક્ષોના આગેવાનોના આક્ષેપોને સમર્થન મળતું રહે છે.
ભૂતકાળની ભૂલો વખોડતા નેતાઓ સત્તામાં આવ્યાની સાથે આવુ કરી રહ્યા છે
રાજ્યપાલોની ભૂમિકા કેન્દ્રમાં કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે વિવાદાસ્પદ હતી. ૧૯૮૦ના સમયગાળા બાદ આંધ્ર, કર્ણાટક અને જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોમાં તો ઠીક પરંતુ બિહારમાં પણ બહુમતી પક્ષને સત્તાથી દુર રાખવાના પ્રયાસો થયા હતા. ભુતકાળની ભૂલને વખોડતા નેતાઓ સત્તા પર હોય ત્યારે આવી ભૂલોની પરંપરા સર્જાય તે યોગ્ય વાત નથી તેવું નિષ્ણાંતો માને છે રાજ્યપાલ કેન્દ્રના સત્તાધારી પક્ષના કોઈ મોભી જ હોય છે તે સીલસીલો કોંગ્રેસના શાસનમાં જ શરૂ કરવામાં આવ્યો છે અને ભાજપ – એનડીએએ ૨૦૧૪માં સત્તા પર આવ્યા પછી આ સીલસીલો જાળવી રાખ્યો છે. ભૂતકાળમાં આ પ્રથાના અમલને ભૂલ કહેનારા નેતાઓએ આ પ્રથા જાળવી રાખી છે. ભૂતકાળની ભુલ સુધારી નથી અને પોતે પણ તેનું પુનરાવર્તન કરી રહ્યા છે અત્યારે દેશના તમામ રાજ્યપાલો એકાદ અપવાદને બાદ કરતા ભાજપના આગેવાનો જ છે. ભૂતકાળમાં એટલે કે કોંગ્રેસના સમયમાં કોંગ્રેસના આગેવાનો આ હોદ્દો ભોગવતા હતા. તે પણ હકિકત છે પરંતુ એનડીએ આ પ્રથા બદલી શક્યું નથી. જાેકે આ અંગે એક બંધારણીય નિષ્ણાત એમ પણ કહે છે અને રાજકીય વિશ્લેષકો પણ લખે છે કે અત્યારે પશ્ચિમ બંગાળ કે મહારાષ્ટ્રના રાજ્યપાલો જે રીતે નિવેદનો કરે છે તેવા નિવેદનો ૨૦૧૪ પહેલાના કોઈ રાજ્યપાલોએ કર્યા નથી .
રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડાએ કોંગ્રેસમાં વિચરાઇ ગયુ હતું, તો શું ભાજપમાં ફરી યાદ આવ્યું ?
રાજ્યપાલ એ રાજ્યના બંધારણીય વડા છે તે વાત ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં પણ ભૂલાઈ હતી આજે પણ ભૂલી જવાઈ છે મોટા ભાગના રાજ્યપાલો કેન્દ્રના ઈશારે નિર્ણય લેતા હોય છે. ભૂતકાળમાં પણ લેતા હતા પરંતુ ભૂતકાળમાં અને વર્તમાન કાળમાં ફેર એટલો છે કે ભૂતકાળમાં કેન્દ્રના ઈશારે રાજ્યપાલો એક યા બીજી રાજ્ય સરકારોને રવાના કરવાની ભલામણ કરતા હતા કેન્દ્ર તેનો અમલ કરતું હતું પંરતુ અત્યારની જેમ કોઈ રાજ્યપાલો રાજ્ય સરકાર પર પ્રહાર કરવામાં રાજ્યના વિરોધ પક્ષને પણ વટાવી જાય તેવી ભૂમિકા ભુતકાળમાં ભજવી નથી. ભૂતકાળમાં રાજ્ય સરકાર સામે સહેજ પણ ઘસાતો નિર્ણય લેનાર રાજ્યપાલને રાજ્ય વિરોધી ચીતરવામાં આવતા હતા જ્યારે આજે તો રાજ્ય સરકાર સામે રાજ્યપાલો આરોપનામુ રજુ કરતા હોય તેવી જ રીતે વાતો કરે છે.
ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન આજે પણ યથાવત
ટુંકમાં અત્યારે બંધારણની જાેગવાઈના નામે એક યા બીજી રાજ્ય સરકારોને બદનામ કરવાના પ્રયાસ થાય છે ભારતની ૭૩ વર્ષ જૂની લોકશાહી માટે સારી ઘટના તો નથી જ રાજ્યપાલો પોતાની બંધારણીય જાેગવાઈ કોઈના દબાણ કે સૂચના વગર બંધારણના નિયમો પ્રમાણે બજાવી શકે તે માટે કેન્દ્રના રાજકીય પક્ષના સભ્યોના બદલે તટસ્થ કે પૂર્વ ન્યાયમૂર્તિઓને રાજ્યપાલ તરીકે રાજ્યોમાં મોકલવાની જાેગવાઈ કરવાની જરૂરત છે તો જ રાજ્યપાલ અને મુખ્યમંત્રી આમને સામને આવી જવાના બનાવો અટકશે તેમ નિષ્ણાતોનું માનવું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…