ઘરની બહાર નીકળીશ તો તારા ટાંટીયા ભાગી નાખીશ' / સુરેન્દ્રનગરમાં વિજ ચેકીંગ માટે ગયેલા નાયબ ઇજનેરને ધમકી અપાઈ

એન્જીનીયર્સ એસોશિયેશને સુરેન્દ્રનગર પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને લેખિત આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો

Reporter Name: સચિન પીઠવા સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં ઘરની બહાર નીકળીશ તો તારા ટાંટીયા ભાગી નાખીશ એમ વિજ ચેકીંગ માટે ગયેલા નાયબ ઇજનેર સહિતના પરિવારજનોને ધમકી આપતા નાયબ ઇજનેર પત્નિ સાથેનો વીડીયો વાયરલ કરતા ચકચાર મચી જવા પામી છે. પીજીવીસીએલના નાયબ ઇજનેરને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવાની સાથે ઘર પર પથ્થરમારો કરાતા અંતે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. જ્યારે જીઇબીના સર્કલ સેક્રેટરી સહિતના એન્જીનીયર્સ એસોશિયેશને સુરેન્દ્રનગર પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને લેખુત આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.

આ ચકચારીભર્યા બનાવની પ્રાપ્ત વિગતાનુસાર, સુરેન્દ્રનગર પીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા ભરતભાઇ મનુભાઇ પટેલ ત્રણ ચાર દિવસ અગાઉ ચેકીંગ સ્કવોડના નાયબ ઇજનેર-સુરેન્દ્રનગર- એસ.એન.પંચાલ, નાયબ ઇજનેર-ધ્રાંગધ્રા- એમ.પી.ચૌધરી, નાયબ ઇજનેર-લીંબડી- એમ.કે.તાબીયાળ, જૂનીયર ઇજનેર-ધ્રાંગધ્રા- ડી.એલ.રત્નુ સહિતનો પીજીવીસીએલનો સ્ટાફ પોલીસની બે ટીમો સાથે રાજસીતાપુર પેટા વિભાગ કચેરી તાબાના ભારદ ગામે રેતી ચાળવાના બાપા સીતારામ વોશ પ્લાન્ટ તથા દિલીપસિંહ વજેસંગભાઇ ખેરના વોશ પ્લાન્ટ પર વીજ ચેકીંગ કરવાની સાથે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

જે અંગેનું મનદુ:ખ રાખી સિધ્ધરાજસિંહ ચંદુભા ખેરે ( રહે-ખોડું, તા.વઢવાણ ) નાયબ ઇજનેર ભરતભાઇ મનુભાઇ પટેલના રહેણાંક મકાને આવીને ધમકી આપી હતી કે, ઘરની બહાર નીકળીશ તો તારા ટાંટીયા ભાંગી નાખીશ અને તમે મને જે વિજ દંડ કરેલો છે તે તમે પાંચેય ઇજનેરો મળીને ભરપાઇ કરી દેજો અને જો પોલિસ ફરીયાદ કરશો તો તમને જાનથી મારી નાખીશ કહીને જતો રહ્યો હતો.

ત્યારબાદ બીજા દિવસે સિધ્ધરાજસિંહ ખેર અને બીજો એક ઇસમ ગાડી લઇને મારા ઘેર આવી મારી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી પાંચ દિવસમાં વિજ દંડ ભરપાઇ કરી દે’જો નહીંતર છઠ્ઠા દિવસે હું તમને જોઇ લઇશ એમ કહેવાની સાથે મારી સાથે વિજ ચેકીંગમાં આવેલા નાયબ ઇજનેર-સુરેન્દ્રનગર એસ.એન.પંચાલને પણ સિધ્ધરાજસિંહ ખેરે ફોનમાં ધમકી આપી હતી કે, અડધો કલાકમાં તમે મને મળો નહીંતર જાનથી મારી નાખીશ અને એ જ દિવસે સિધ્ધરાજસિંહ ખેર સહિતના અજાણ્યા બે ઇસમો નાયબ ઇજનેર ભરતભાઇ મનુભાઇ પટેલના રહેણાંક મકાન પર ફરી આવી વીજદંડની રકમ ભરપાઇ કરવાની સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી અમારા રહેણાંક મકાન પર છુટ્ટા પથ્થરના ઘા કરી ગાળો આપી જતા રહ્યાં હતા.

આ ઘટના બાદ જીઇબીના સર્કલ સેક્રેટરી સહિતના એન્જીનીયર્સ એસોશિયેશને સુરેન્દ્રનગર પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને લેખિત આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે આ ઘટના અંગે સુરેન્દ્રનગર પીજીવીસીએલના નાયબ ઇજનેર ભરતભાઇ મનુભાઇ પટેલે સિધ્ધરાજસિંહ ચંદુભા ખેર સહિત અજાણ્યા બે ઇસમો વિરુદ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન ખાતે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વિજ ચેકીંગ માટે ગયેલા નાયબ ઇજનેર સહિતના પરિવારજનોને ધમકી આપતા નાયબ ઇજનેર પત્નિ સાથેનો વીડિયો વાયરલ કરતા જણાવ્યું હતુ કે, અમે ફરજના ભાગરૂપે પ્રમાણિક વિજ વપરાશકારોને નુકશાન ન થાય એ માટે વિજ દરોડા પાડી કાર્યવાહી કરતા હોઇએ છીએ છતાં વિજચોરી કરતા લોકો ડરવાના બદલે ધમકી આપી હુમલો કરતા હોય છે. અમે એટલા ડરી ગયા છીએ કે ઘરની બહાર નીકળી શકતા નથી અને નોર્મલ લાઇફ પણ જીવી શકતા નથી. ગુજરાતને બિહાર બનતુ અટકાવવાની સાથે હવે જો આ વ્યક્તિ દ્વારા મને કે મારા પરિવારને કોઇ તકલીફ, હાની કે નુકશાન થશે તો એની સંપૂર્ણ જવાબદારી જે તે ઇસમ કે પીજીવીસીએલ મેનેજમેન્ટની રહેશે. હું આ વિડીયો ના છૂટકે જ બનાવી રહ્યો છુ.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment