સામાન્ય રીતે યુનિવર્સિટી શબ્દ સાંભળીએ એટલે મનમાં મોટું કેમ્પસ, માસ્ટર્સ અને પી.જી. કોર્સિંસમાં અભ્યાસ કરતા યુવાનોનું દ્રશ્ય સામે આવે. પરંતુ ગાંધીનગરમાં એક એવી યુનિવર્સિટી છે, જે પ્રિ-સ્કૂલ એટલે કે બાલમંદિરથી પ્રવેશ આપે છે. કદાચ વિશ્વની આ એકમાત્ર એવી ચિલ્ડ્રન યુનિવર્સિટી છે, જે નાના બાળકોને પણ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ આપે છે.

વાત છે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની. એકતરફ સમગ્ર રાજ્યમાં સ્કૂલ, કોલેજોમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની પ્રિ-સ્કૂલ એટલે કે “શિશુ નિકેતન”માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે બાળકને ત્રણ વર્ષ પૂરાં થયાં હોય તેમને અહીં પ્રવેશ આપવામાં આવે છે. અહીં નવ્ય, દિવ્ય અને ભવ્ય એમ ત્રણ કેટેગરીમાં ત્રણથી પાંચ વર્ષના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે, અહીં બાળકોને એક્ટિવિટી બેઝ લર્નિંગ એટલે કે પ્રવૃત્તિના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે, અને બાળકોનો સર્વાંગી વિકાસ કરવો એ આ યુનિવર્સિટીનું ધ્યેય છે. તેજસ્વી બાળક : તેજસ્વી ભારતના ધ્યેયસૂત્ર સાથે આ યુનિવર્સિટી ચાલી રહી છે.
શિશુનિકેતનમાં ભારતીય જ્ઞાનધારા મુજબ પંચકોશીય વિકાસ આધારિત શિક્ષણ અપાય છે. બાળકમાં અન્નમય કોશ (બોડી), મનોમય કોશ (માઈન્ડ), વિજ્ઞાનમય કોશ (બ્રેઇન), પ્રાણમય કોશ (એનર્જી) અને આનંદમય કોશ (સ્પિરિચ્યુઅલ)નો વિકાસ કરવા માટે એક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ (પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અપાય છે. નવી એજ્યુકેશન પોલિસી મુજબ, નવ્ય (૩થી ૪ વર્ષ) અને દિવ્ય (૪થી ૫) વર્ષની કેટેગરીમાં આઠ વિષયોનું શિક્ષણ, વિવિધ એક્ટિવિટીના માધ્યમથી આપવામાં આવે છે. ગુજરાતી ભાષા, ઉદ્યોગ, સંગીત, પર્યાવરણ, વિજ્ઞાન, ગણિત, શારીરિક શિક્ષણ, ચિત્રકામ આ આઠ વિષયોનું શિક્ષણ આપવા માટે ૧૦૦૦થી વધુ પ્રવૃત્તિ ડિઝાઇન કરવામાં આવેલી છે. આ પ્રવૃત્તિના માધ્યમથી હસતાં રમતાં શિક્ષણ અપાય છે. એ પછી ભવ્ય (૫થી ૬) કેટેગરીમાં પ્રવૃત્તિ સાથે સાથે લેખન અને વાંચનના માધ્યમથી શિક્ષણ અપાય છે.
અહીં બાળકોને જીવનના ઘનિષ્ઠ અનુભવ (લાઈવ એકસપિરીયન્સ) સાથે પણ શિક્ષણ આપવામાં આવે છે. જેમ કે, વૃક્ષોના નામ મે પરિચય નું શિક્ષણ આપવા બાળકોને સીધા વૃક્ષો, લીમડા વગેરે પાસે લઈ જવામાં આવે છે. બેંક શું છે અને શું કામ થાય, તેના માટે સીધા બેંકમાં લઈ જવામાં આવે છે. સુથારી કામ, લુહારી કામ વગેરે જેવા પ્રાથમિક ઉદ્યોગોનો પરિચય આપવા માટે, જે તે કારીગરોને બોલાવી પ્રત્યક્ષ બતાવવામાં આવે છે.
આમ અહીં જીવન શિક્ષણ અને જીવંત શિક્ષણ અપાય છે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં સેક્ટર-20માં આવેલી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી વિશ્વની એક અનોખી યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટી ભારતીય જ્ઞાનધારા પ્રમાણે બાળકના સર્વાંગીણ વિકાસ માટે કાર્યરત્ છે. તેજસ્વી બાળક થકી તેજસ્વી ભારતનું નિર્માણ એ આ યુનિવર્સિટીનું ધ્યેયસૂત્ર છે. બાળકનો પંચકોશીય વિકાસ કઈ રીતે થાય તેના માટે આ યુનિવર્સિટીમાં વિવિધ કાર્યયોજનાઓ બનાવવામાં આવી છે.આ માટે અહીં સર્ગભા મહિલાઓના ગર્ભસંસ્કાર કરવામાં આવે છે. તેમજ તેમને 16 સંસ્કારોનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. ગર્ભસંસ્કાર થકી તેજસ્વી બાળકના જન્મ બાદ, માતા-પિતાને અસરકારક પેરેન્ટિંગ કેવી રીતે કરવું તેનું પણ પ્રશિક્ષણ આપવામાં આવે છે. બાળક ત્રણ વર્ષ પૂરાં કરે એ પછી અહીં શિશુ નિકેતનમાં તેને પ્રવેશ આપવામાં આવે છે અને એક્ટિવિટી બેઝ્ડ લર્નિંગથી તેનું શિક્ષણ કરવામાં આવે છે. આ યુનિવર્સિટીમાં કુલ સાત ભવન અને તેના અંતર્ગત વિવિધ 12 વિભાગો કાર્યરત્ છે. જેમાં માસ્ટર્સ ડિગ્રીના અભ્યાસક્રમોથી લઈને વિવિધ સર્ટિફિકેટ કોર્સ, પીજી ડિપ્લોમા કોર્સિસ તેમજ પીએચડી સુધીના કોર્સિસ છે. ગર્ભસંસ્કારના માધ્યમથી બાળકનો ગર્ભમાંથી જ વિકાસ કરતી હોય તેવી વિશ્વની આ એકમાત્ર યુનિવર્સિટી છે.

આ પણ વાંચો : રેલવે ટૂંક સમયમાં મુસાફરોને આપશે મોટી ભેટ, આવતા વર્ષથી આ રૂટ પર દોડશે 75 વંદે ભારત ટ્રેન
