રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે આ મામલે ગૃહવિભાગે આ કેસની તપાસ DGP ટ્રેનિગને તપાસ સોંપાઇ છે, વિકાસ સહાય હાલ ટ્રેનિગ DGP છે, આ તપાસ 3 દિવસની અંદર પરિપૂર્ણ કરવાની રહેશે અને તપાસ રિપોર્ટ DGP આશિષ ભાટિયાને સુપ્રત કરવાનો રહેશે,રાજકોટ પોલીસમાં હપ્તાવસુલી અને ઉઘરાણીના ભ્રષ્ટાચારની ચર્ચા હોટ ટોપિક બની છે. સત્તા પક્ષ ભાજપના જ કેટલાક નેતાએ શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરતા સિટી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ટુંકમાં જ તેમની બદલીની સંભાવના છે.
રાજ્યભરના પોલીસતંત્ર તથા આઈપીએસ ઓફિસર્સમાં ખળભળાટ મચાવીને જે રીતે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રાજકોટ શહેરમાં કમિશન લઈને ડૂબેલા નાણા કઢાવતા હોવાનું અને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ એ હવાલા બ્રાન્ચ હોવાના ખુલ્લા આક્ષેપો રાજકોટ–70ના ધારાસભ્ય રાયના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે કર્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારી પર નાણાકીય મામલાના થયેલા આક્ષેપો અને ખાખી પર લાંછન લાગે તેવા બનાવમાં સત્ય શું છે તેની માહિતી ગૃહમંત્રીએ મગાવી હોવાનું જાણવા મળ્યું છે.
જે અંગે ભાજપના જ બે વરિષ્ઠ નેતા આજે સીએમ અને ગૃહમંત્રી સમક્ષ રજુઆત કરવાનાં છે. ગોવિંદ પટેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળીને રાજકોટ પોલીસ કમિશનર સહિત હપ્તાવસુલીમાં સંડોવાયેલા પોલિસી અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરશે. જ્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને આ મામલે રજૂઆત કરશે.
