ભગવાન શિવને પોતાનું ડમરું, નાગ અને ત્રિશૂળ અત્યંત પ્રિય છે અને તેમના વગર પ્રભુ શીવ-શંકર અધૂરા હોય તેમ લાગે છે. તે ક્યારેય આ વસ્તુઓને પોતાનાથી અલગ નથી કરતા. શિવના સ્વરૂપમાં આ બધું જોડાયેલુ છે પરંતુ શું તમને ખબર છે કે ભગવાન શંકરનું એક એવું મંદિર છે જ્યાં તેમનું ખંડિત ત્રિશૂળ સ્થાપિત છે.
જમ્મૂ-કાશ્મીરમાં વૈષ્ણોદેવી પાસે પટનીટોપ પાસે એક મંદિર છે, આ મંદિર ભગવાન શિવના પ્રમુખ મંદિરોમાંથી એક છે. પૌરાણિક ગ્રંથોમાં પણ આ મંદિરનો ઉલ્લેખ મળે છે.

જમ્મૂથી 120 કિમી દૂર પટનીટોપ પાસે સધુ મહાદેવ (શુદ્ધ મહાદેવ) મંદિર સ્થિત છે. આ મંદિરની સૌથી ખાસ વિશેષતા એ છે કે અહીં પર વિશાળ ત્રિશૂળના ત્રણ ટૂકડા જમીનમાં ખોસેલા છે. કહેવાય છે કે આ ત્રિશૂળ ભગવાન શિવનું છે.
સુધ મહાદેવ મંદિરનું નિર્માણ લગભગ 2800 વર્ષ પૂર્વનું હોવાનું માનવામાં છે. જેનું પુનઃનિર્માણ લગભગ એક સદી પહેલા કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં એક પ્રાચીન શિવલિંગ, નંદી અને શિવ પરિવારની મૂર્તિઓ પણ છે.

પુરાણો અનુસાર માતા પાર્વતીની જન્મભૂમિ માનતલાઈ હતી. માતા અહીં ઘણીવાર પૂજા કરવા આવતા. એક વખતે માતા પૂજા કરતા હતા ત્યારે સુધાન્ત નામનો રાક્ષસએ આવ્યો. તે પણ શિવ ભક્ત હતો અને પૂજા કરવા આવ્યો હતો પૂજા પૂર્ણ થયા પછી પોતાની સામે દાનવને જોઇને માતાના મુખેથી ચીસ નિકળી ગઇ. માતાનો અવાજ સાંભળીને સમાધિમાં લીન ભગવાન શંકરને લાગ્યુ કે માતા પાર્વતી કોઈ મુસીબતમાં છે. માટે તેમની રક્ષા માટે તેઓ ત્રિશૂળ ફેંકે છે. આ ત્રિશૂળ દાનવના હ્રદયમાં આવીને વાગે છે. પછીથી ભગવાન શિવજીને ખબર પડે છે તેમનાથી અજાણતા મોટી ભૂલ થઈ ગઈ. ભૂલનો સ્વીકાર કરવા અને સુધાન્તને પુઃન જીવનદાન આપવા માટે પ્રભુ શંકર સ્વયં પ્રગટ થાય છે. પરંતુ સુધાન્તા રાક્ષસ ફરી જીવન મેળવવાની ના કહે છે. પોતાના ઈષ્ટ દેવના હાથે પ્રાણ ત્યાગ કરીને સુધાન્ત મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. પોતાના ભક્તને મોક્ષ આપી ભગવાન સુધાન્તને કહે છે આ જગ્યા સુધ મહાદેવના નામથી જાણીતું બનશે. અને સુધાન્તાને વાગ્યુ હતુ તે ત્રિશૂળના ત્રણ ટૂકડા કરી શીવજીએ ત્યાં જમીનમાં ખોસી દીધા.

આ ત્રિશૂળના ટૂકડા મંદિર પરિસરમાં આજે પણ છે અને દર્શન કરવા આવનારા ભક્તો તેનો જળાભિષેક કરે છે. મંદિર બહાર પાપ નાશ કૂંડ છે જેમાં પહાડોમાંથી અવરિત પાણી આવે છે. એવી માન્યતા છે કે તેમાં નહાવાથી બધા પાપ નષ્ટ થઈ જાય છે.
મંદિરથી 5 કિમી દૂર માતા પાર્વતીની જન્મભૂમિ માનતલાઈ છે. અહીં પર માતા પાર્વતીનો જન્મ અને શિવજીના તેમની સાથે વિવાહ થયા હતા. અહીં પર માતા પાર્વતીનું મંદિર અને ગૌરી કુંડ પણ છે.
